આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩

રા' નવઘણ


કાજળકાં [૧] ધડ ધડ કટક, પાહડકી[૨] ! પોખે;
ચાલી ચોંપ કરે, રૂપાળી ! દેવા રજક.

હે નરા ચારણની પુત્રી, તે નવઘણના આખા સૈન્યને પોષ્યું. ઉતાવળ કરીને તું તારી શક્તિ બતાવવા ચાલી.

ઘોડાધરો વરૂવડી, નવઘણ ગરનારા,
શિરામણ સેલું કિયું, જે તે જનવારા !

હે વરૂવડી, તે ગિરનારનાથ નવઘણનાં ઘોડાંને પાણી પીવા સારુ ઘોડાધરો નામની નદી બનાવી, અને શિરામણ (જમણ)માં તેં બરકત પૂરી. તારા એ અવતારની જય હજો !

અાઈ ઉતરતી, કાંસેલી પાંખા.[૩] કિયા,
વાનાં [૪] વરણ તણાં, તેં વધાર્યાં વરૂવડી!

હે મા, ચારણજાતિરૂપ વાસણ ઉપર જે કીર્તિરૂપ કંટેવાળો હતો, તે ઘણા દિવસ સુધી સતરૂપી કસેાટીના તાપથી ઊતરી ગયેા હતો: એ કંટેવાળો તે ફરીથી ઘાટો કર્યો – આપણા વર્ણની આબરૂ વધારી.

સવારે ધૃત સેવ, લાલ બપોરે લાપસી,
દૂધે ને ભાતે દેવ્ય, દે વિયાળો વરૂવડી!

હે દેવી વરૂવડી ! સવારે ઘી અને સેવ, બપોરે લાલ લાપસી અને રાત્રિએ દૂધચોખાનું વાળું તું અમને દીધા કરજે !


  1. (કાજળ -ધન, કાં -નાં ) - નવધણના. કટક = સૈન્ય
  2. ૮. પાહડકી - પાડા = વિભાગ, ચારણ જાતિના સાડા ત્રણ પાડા છે, તેમાં પ્રથમ પાડો નરા ચારણનો કહેવાય છે. વરૂવડીના પિતા નરા હતા. અાંહી 'પાહડકી' શબ્દ વરૂવડીને સંબોધીને વપરાય છે.
  3. પાંખો - કંટેવાળો,
  4. વાનાં = ચારણપણું, આબરૂ