આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૫૪


કુળનાં જુએ તે ઘણું ખરું કેાળીના જ કુળ વસે છે.(કોળીની સંખ્યા બહુ મોટી છે ), ફળમાં લીંબોળી બહુ થાય છે, અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે, એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષે પાકે છે, એ દેવભૂમિ પાંચાળ છે.

ચાલતાં ચાલતાં એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર, એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ પૈડાં ચસકયાં નહિ. નાડાં બાંધી-બાંધીને રથ તાણ્યો, પણ નાડાં તૂટી ગયાં. લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીટી, પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું : “હે ઠાકર ! તે દિવસ સ્વપ્નામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે ? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું.”

એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તે આરસપા'ણની ભેાં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડયા, નાનાં ઝૂંપડાં ઊભાં કરી દીધાં, અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરાં, ઘેટાં ને ઊંટ, બધાં પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતાં ગજવતાં લહેરથી ચરવા લાગ્યાં. જે નેરામાં રથ થંભી ગયેા હતો તે અત્યારે પણ 'નાડાતેાડિયું' નામથી એાળખાય છે.

પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય ? પરમારનો દીકરો – અને વળી પ્રભુનો સેવક – લખધીરજી તપાસ કરવા માંડયા. ખબર પડી કે વઢવાણના રાજા વીસળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મૂંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વીસળદેવ ચોપાટ રમે છે, ત્યાં જઈને પરમારે ઘેાડીએથી ઊતરી,