આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯

આઈ જાસલ

તાણ કરી કરીને પીરહે સે ?” એવી એવી ચર્ચા તેણે પાડોશમાં ચાલુ કરી. ચેપકાં જેવામાં ચતુર ચારણિયાણીઓનાં ટોળાં એકઠાં થઈ બિચારી નિર્દોષ જાસલની મનભાવતી નિંદા કરવા લાગ્યાં.

જમી રહ્યા પછી લાધવે ઘેર બે ઘડી તડકો ગાળ્યો.

બહેનનું મફત ન ખવાય, એવી માન્યતાથી વિદાય થતી વખતે લાધવે જાસલના હાથમાં પચીસ કેારી મૂકી. પણ તે પાછી આપતાં જાસલ બોલી : “ ભાઈ, જગતમાં મહિયરમાં મારે કોઈ નથી. આજથી તું મારો ધરમનો ભાઈ! જો સાચો ભાવ હોય તો કોઈ વસમી વેળાએ આવી ઊભો રહેજે. પરભુ તને ખેમ રાખે.” એટલું બોલી સજળ નયને તેણે લાધવાનાં દુખણાં લીધાં. દુખણાં લેતાં ચોળાફળી જેવી તેની કોમળ આંગળીએામાંથી ફૂટેલા અનેક ટચાકા વિદાય લેતા લાધવાએ સાંભળ્યા.બહેનને પગે લાગી લાધવા સવાર થયેા. રવાના થતાં થતાં તેણે ટપકતે નેત્રે બહેન જાસલને હાથ જોડ્યા.

એ વખતે આઘે ઊભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો.

પરનિંદા જેવું મીઠું જગતમાં બીજુ શું છે ? પુનસરીએ પ્રસરાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ.

બે દહાડે ધાનો ઘેર પાછો આવ્યો. તેને જોઈને એક સ્ત્રીએ હાસ્ય કર્યું. નાગણી જેવી વેરણ શેાક્ય પુનસરીએ તે બધી વાત ચોખ્ખેચોખ્ખી ધાના ભેડાને કહી. ચારણનો મિજાજ હાથથી ગયો. તેના બળતા અંતઃકરણમાં ઘીના ઘડા ઠલવાયા.

ધાનો ભેડો એક તો બહારગામથી થાકયો પાકયો આવેલો. વગડાનો વા તો તેના માથામાં ભરાયેલો હતો જ. તેમાં અધૂરામાં પૂરું આ દારુણ વાત સાંભળી. એટલે બાકી શું રહે ? ધૂવાંપૂવાં થયેલો ચારણ હાથમાં ચાબખો લઈ ફાટી આંખે જાસલના મકાન તરફ ચાલ્યો.