આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

24

[હે વાછરા ! જેને દૂધે દીવા બળે છે એવી વેગડ નામની ગાયને દુશ્મનો વળી જાય છે. વા'રે ચડ્ય, મારા બાપ !]

ચોથો ફેરો અધૂરો રાખી વત્સરાજ ચડ્યો. વેગડની વહાર કરતાં ખપી ગયો. એ ત્યાગ ને એ વીરત્વને લોકોએ દેવપદ દીધું. પણ ખૂબી તે એ છે કે વાછરો કેવળ હિન્દુનો જ પૂજનીય નથી. હિન્દુઓએ એને કર્ણનો અવતાર માન્યો, તેમ મુસલમાનોએ પણ એને –

વાય ઉડાણું વાછરા, મક્કે મદીનાં,
પોતરો અલી હુસેનજો, ભડ હુસેનજો વીયા.

કહી પોતાનેય પીર તરીકે સ્થાપ્યો છે. આ દુહો એની સાહેદી દે છે. આમ સૌરાષ્ટ્રનું હિંદુ-મુસ્લિમ તત્ત્વ ઠેર ઠેર બંધુતા બાંધીને ઊભું છે.

દાદવો કે દ્વારિકાધીશ !

રૂઢિચુસ્ત ચોખલિયા ઈશ્વરદાન ચારણને મુસલમાનનું મોં ન જોવાનાં કરડાં વ્રત : ચિતોડના રાણાએ ઘણો સરપાવ કર્યો, ઘણી ચાકરી કરી, દેવાધિદેવને મળે તેવાં પૂજનઅર્ચન આપ્યાં : પણ ચારણ રાણાની તારીફનો એક દુહોય ન કહેતાં ચાલી નીકળ્યો. રાણો સીમાડા સુધી વળાવવા જાય છે : રાણાજી, બસ હવે પાછા વળો : કવિરાજ, શ્રીમુખના એક દુહાની આશા હતી : ના રાણા, તું હિન્દવો શાળિગરામ સાચો, પણ દ્વારકાધીશને બિરદાવ્યા પહેલાં માનવીને ન સ્તવવાના મારે શપથ છે : દુભાયેલા રાણાએ શાપ ઉચ્ચાર્યો : અભિમાની ચારણ ! જેનું મુખ નથી જોતો તેને જ ગાવા પડશે, દ્વારિકાધીશ તો દૂર રહી જાશે : તો જેવી હરિની ઈચ્છા, રાણાજી : એવું કહીને ચારણ પંથે પળ્યો. સોરઠના બાલાગામની સીમમાં લૂંટાયો, ગાડાને બળદ ન રહ્યા. રાત અંધારી : અનુચરો ગામમાં બળદની મદદ જાચવા નીકળ્યા. મશ્કરીખોરોએ દાદવા દરબારની ડેલી ચીંધાડી : દાદવો એક કંગાલ મુસલમાન : કટકો જમીન ખેડી ગુજારો કરે : બે જ બળદ : દુખિયાં વટેમાર્ગુની વહારે ગયો. કવિએ સાંભળ્યું કે એક મુસલમાનને રુદે રામ