આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
29

દિલાવર સંસ્કાર [પ્રવેશક ]

ભાન થયું. છાનાંમાનાં, કશી વ્યાકુળતા બતાવ્યા વિના એમણે ઉપરથી સાપનું ડોકું ઝાલી લીધું. મૂંઝાયેલા દુશ્મને પોતાના શરીર વડે રાણીના સાથળને ભરડો લીધો. એ જમદૂતનું જોર વધે તેમ તેમ બાઈના મેાં પર લોહી ધસે છે. છતાં ભાઈની સાથે વાતોમાં તો એ કશોય વિક્ષેપ દાખવતી નથી. ચોંકેલો ભાઈ પૂછે છે : 'બહેન, કેમ આ લાલ મોઢું ? કાંઈ અસુખ ?' 'ના, ભાઈ, કંઈ નથી, સહેજ તમે જાવ ડેલીએ, દરબાર વાટ જોતા હશે.' ભાઈ ગયા, ઓરડામાં એકાન્ત હતી. પણ દેહની એબ ઓરડાનેય ન દેખાડાય એવું એ વખતનું માનસ હતું. સાદ કર્યો, 'છોડીઓ ! મારો બીજો લેઘો લાવો, મને એરુ વીંટળાણો છે,' 'બાપ રે !' કહેતી વડારણો રફુચકર થઈ ! તોય રજપૂતાણી ન ડગી. સાપને બરાબર દબાવીને ઊઠ્યાં. જીવ જાવા જેવું થાય છે, પણ ધીરે રહી સામી એાળવણથી બીજો લેંઘો લીધો. એક હાથે લેંઘો બદલાવ્યો. બીજે હાથે સર્પને લેંઘા સમેત ઝેાંટીને દૂર ફગાવ્યો.

બેશક, આજે આપણને દેહમરજાદનાં જૂનાં ધોરણો ઢીલાં કરવાની જરૂર પડી છે. લજજાની કેટલીક જૂની લાગણીઓમાં આપણને અતિરેક જણાય છે. એમ તો યુગેયુગના રીતરિવાજો જુદા પડે છે. પરંતુ તેથી આપણે ઉપર લખ્યા તેવા જૂના સમયના શુદ્ધ દેહમરજાદના આદર્શને નમી કાં ન શકીએ ? એને નમવાથી આજના યુગમાગ્યા પરિવર્તનને કાંઈ આપણે અપમાનવાની જરૂર નથી. એ જ રીતે પતિભક્તિ, શિયાળ, આતિથ્ય ઇત્યાદિ વાતો વિષે એ ગત યુગની ઉગ્ર – અતિ ઉગ્ર ભાવનાને આપણે શું ન્યાય ન આપી શકીએ ?

મૃત્યુ-ભાવના

એ જ રીતે એનાં મૃત્યુ તપાસો : આજ તો ભાડે લીધેલાં પશુ જેવા સિપાઈઓ પણ સમરાંગણમાં જઈને સહસ્ત્ર-સહસ્ત્રને હિસાબે સામી છાતીએ ઘા ઝીલી મૃત્યુ સ્વીકારે છે, ને છતાં આપણે પૂજીએ તેવાં એ બલિદાન કોઈ એક બિરુદ ('કૉઝ') માથે ચડતાં આપણે જોયાં છે ? હવે સોરઠી વીરોનાં થોડાંએક મૃત્યુનાં દર્શન કરીએ, કેમ કે તેમાં પણ શાંત મૃત્યુની એક નિરાળી જ ભાત્ય પાડેલી છે.