આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર : ૩

ફૂલમાળ, રેશમ, વાંદર્ય...વગેરેની વાતો નીકળી. એક જણે ડુંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું, “એ બાપ ! જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો !”

એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.

"કાં બા, હસો કાં ? મેાટા અસવાર દેખાઓ છો !”

“અસવાર હું તો નથી, પણ એવા એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!”

“ત્યારે, બા, કહો ને એ વાત ! પણ વાતમાં મોણ ન ઘાલજો ! જોયું હોય એવું જ કહી દેખાડજો.”

ખોંખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એણે ડાયરાને કહ્યું : “ બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે, પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લાડ લડાવ્યા વગર તો નહિ રહેવાય.”

હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી.

વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઈતરિયા ગામે સૂથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે. પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીને ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના સુવાવડ પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીના – એમ ચાર- ચાર મહિનાના વિજોગ થયા એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે ?

એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇંદ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ-જમીનનાં