આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલેાજી લૂણસરિયો

૨૧

નાની દીકરીની કેવી દશા થઈ હશે ! વિચાર કરીને કલોજી ધ્રુજી ઊઠ્યો.

પોતાના ભાણેજને બોલાવીને એણે ભલામણ કરી : “બાપ, આજ સવારે ભા' કુંભાને કસૂંબાનાં નોતરાં દીધાં છે પણ હું સવાર સુધી રહું તો તો મારે કસૂંબાને સાટે ઝેરની તાંસળી પીવી પડે. તું દરબારને કસૂંબો પાઈને પછી ચડી નીકળજે. ભા'કુંભાને મારી વાત કહેજે. ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે.”

એટલું કહીને કલેાજી એકલો ઘોડી ઉપર ચડ્યો. ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું : “બાપ, તાજણ ! આજ સુધી મારી આબરૂ તેં જ રાખી છે, માટે આજ છેલ્લી ઘડીએ મારું મોત બગાડતી નહિ, હો ! આપણું લૂણસર લૂંટાય છે, બેટા !”

લૂણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો ઝળહળાટ કરતો મુગટ દેખાયો તે વખતે શ્યામ મોઢાં લઈને વસ્તીનાં લોકો પાદરમાં ઊભાં હતાં. વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડ્યા પડ્યા ડંકતા હતા. પડખે લેાહીનાં પાટોડાં ભર્યા હતાં.

થોડાક લોકોએ એકસામટી ચીસ પાડી : “ એ... એ કલોજી બાપુ આવે.”

કોઈ કહે : “અરે, ગાંડા થાઓ મા ! ક્યાં ગોંડળ, ને ક્યાં લૂણસર ! અત્યારે કલેાજી બાપુ કેવા ?”

“અરે, ન હોય શું ? આ એનો જ ભાલો ઝબકે. આ તાજણ બીજાની ન હોય. નક્કી કલોજી બાપુના રુદિયામાં રામના દૂત કહી આવ્યા.”

“અરરર ! કલેાજી બાપુને મોઢું શું બતાવશું ?” એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા, અને સદાને માટે આંખો મીંચી ગયા.