મુખ્ય મેનુ ખોલો
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

હજાર વર્ષ પૂર્વે


“માડી ! તમારી કૂખ નહિ લજાવું, ધરપત રાખજે !”

રાત પડી. જગત આખું પહેલા પહોરની નીંદરમાં પડ્યું છે. શસ્ત્રો સજીને રાખાઈશ ઘોડારમાં આવ્યો; ખડગ ખેંચીને ખાસદારને કહ્યું : “ફૂલમાળ ઉપર સામાન માંડ !”

“અરરર બાપુ ! મામા ગરદન મારે. ફૂલમાળ ઉપર બીજા કોઈનો હાથ નથી અડતો.”

“મામા તો સવારે મારશે, પણ હું અત્યારે જ પ્રાણ લઈશ.”

ખાસદારને બીજો આરો નહોતો. ફૂલમાળ ઘોડી પર ચડીને કાળી રાતે રાખાઈશે પંથ કાપવા માંડ્યો. હાલાર વટાવી, પાંચાળના ભેંકાર ડુંગરા વટાવ્યા, ઝાલાવાડની ઝીણી ઝીણી રેતીના ડમ્મરમાંથી પાર નીકળ્યો, અને મધરાતનો પહોર ભાંગ્યો તે વખતે પાટણના ગઢને દરવાજે ટકોરા દીધા. દરવાજા ઉઘડાવ્યા. ગુર્જરપતિને માઢ-મેડી સામે જઈને જાણે રોજને અવાજે ભાઈ ભાઈને સાદ કરતો હોય તેમ સાદ પાડ્યો : “મૂળરાજ ! ભાઈ ! એ ભાઈ !”

મૂળરાજ ઊંઘે છે.

ફરી સાદ કર્યો : “એ બાપ ! આવડી બધી ઊંઘ ! બાપનું વેર લીધા વિના આટલું બધું ઘારણ વળી ગયું ! આ કયા સુખની ઊંઘ !”

અંધારી અધરાતે કિલ્લાની મૂંગી દીવાલો સામા પડઘા દેવા લાગી : “ મૂળરાજ ! ભાઈ મૂળરાજ !”

આભમાંથી જાણે ઠપકો આવે છે : “આવડી ઊંઘ ! આવડું બધું ઘારણ !”

દરવાજા ઉપરની મેડીમાંથી એક આંધળા ડોસાએ ડોકું કાઢ્યું. પૂછ્યું : “કોણ છે?”

“હું છું”

“ઓ હો હો હો ! એાળખાણો એ સાદ ! મારો બાપ