મુખ્ય મેનુ ખોલો
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

હજાર વર્ષ પૂર્વે


ભાણેજે ઊઠીને મામાને લૂગડાં દીધાં, બખ્તર પહેરાવ્યું. હથિયાર સોંપ્યાં, ને કહ્યું : “ચાલો.”

“ઓ...હો ! આખું લશ્કર ખળું થઈ ગયું !” લાખો જોઈ રહ્યો.

મૂળરાજ લગે।લગ આવી પહોંચ્યો. મામો-ભાણેજ કંઈકને કાપતા-કાપતા મુડદાંના ગંજો ઉપર પગ મેલીમેલીને આગળ વધે છે. ભાણેજ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.

ઓ ઊડે ગરજાણ, (જેને) ગોકીરે ગજબ થિયો,
હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.

ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હૃદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.

“મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી.

“ભાઈ ! ભાઈ !” એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈ ને સાદ કર્યો.

“આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો ઝીંક્યો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂક્યું. મૂળરાજે આંખો મીંચીને ભાઈને માથે સાંગ નાખી. રાખાઈશ પડ્યો. પછી લાખો પડ્યો.

જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો રસ્તો લીધો.

આકાશની આંખેામાંથી લોહીની ધારો થાતી હોય તેવા સાંજના રંગ ઊઘડ્યા હતા. ભાદરને કાંઠે હજારો શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડ્યા હતા: હજુ પ્રાણ નહોતા છૂટ્યા.