આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧

આલેક કરપડો


“અરે, મારા પેટ ! લાખા ખાચરને એાળખવા પડે ? દોઢસો ઘોડાંમાં સહુથી કાઠાળી, જાંબુડાવરણી ઘોડી; હેમની ખેાભળે ભલો, મોટું કળાય એવી હેમને કૂબે ઢાલ; હેમની મૂઠવાળી પ્યાલા જેવી તરવાર, અને માથે મેકર : ઈ આપા લાખાનાં એંધાણ.”

“બસ, બાપુ !” કહીને આલેકે ઘોડીની વાગ હાથમાંથી છોડી દીધી; ઘોડીના પડખામાં એડીનો ઘા કર્યો. ઉબરડાની સીમમાં આંબ્યો. લાખા ખાચરનાં દોઢસો ઘોડાંની કતાર ચીરીને આલેક સોંસરવો પડ્યો. આઘે ઉકો કાઠી, આપા લાખાનાં એંધાણ ધારણ કરીને ઊભેા હતો તેને ઝપાટામાં લીધો. ઉકાની કાળુડી ભાગી. ભાગતી કાળુડીએ આલેકની બરછી ઉકાને માથે પડી. ઉકાના રામ બોલી ગયા. બીજા કાઠી બીકના માર્યા તરી ગયા. લાખા ખાચર હેબતાઈ ગયા. ગીડાએાને તે ઉકાનું જ કાસળ કાઢવું હતું. લાખા ખાચરને લઈને એ ચાલ્યા ગયા. આલેક પોતાની ભેંસો વાળીને ઘેર આવ્યો.

મોરબીના દરબારગઢમાં જીવાજી ઠાકોર એક ચારણની સાથે ચોપાટે રમે “આવજે, આલેકડા સીસાણા !” એમ બોલીને ચારણ પાસા ફેંકે. ગોઠણભર થઈને જેમ ચારણ “આવજે, આલેકડા સીસાણા !” કહી ઘા કરે, તેમ તેમ એવા દાવ આવે કે ઉપરાઉપરી ઠાકોરની સોગઠીઓ હિબાતી જાય. સીંચાણો બાજ જેમ પંખી ઉપર ઝપટ કરે તેવી રીતે ચારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા. ખિજાઈને ઠાકોર બેાલ્યા : “ગઢવા, એ તારો આલેકડો સીસાણો વળી કોણ છે ?”

ચારણ કહે : “દરબાર, ઈ સીસાણો તો સરલા ગામનો આલેક કરપડો – રાણા કરપડાનો દીકરો."