આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩

આલેક કરપડો

કહ્યું : “ઝટ આલગને બોલાવજો, બા !”

આલેકની આંખે ભરણું ભરેલું. મોં ધોઈને દુખતી આંખે એ આવ્યો. રાણાએ આંગળી ચીંધાડીને કહ્યું:

"બાપ આલગ ! આ જોયો ? તાળી માની જાન હાલી આવતી સે. ફુલેકો ચડ્યો સે. આવે ટાણે આલગા જેવો દીકરો ભારે રૂડો દેખાતો સે, હો ! આલગને જણ્યોય પરમાણ !”

આલેકને તો આટલા મહેણાનીય જરૂર નહોતી. એ હથિયાર લઈને ચડ્યો. ધાર ઉપર ચડીને જોયું તો સામે ઠાકોરની સેના ઊભેલી. મોરબીનાં પાંચસો ભાલાં સૂરજનાં છેલ્લાં કિરણોની સાથે દાંડિયારાસ રમતાં હતાં. એક ઘોડી સહુથી એક મૂઠ ચડિયાતી મોખરે ઊભી હતી. ઉપર બેઠેલ અસવારના હાથમાં સોનાની કુંડળે ભાલું હતું, માથા ઉપર કનેરીબંધ નવઘરું હતું.

“એ જ ઠાકોર !” એમ બોલીને આલેકે ઘોડીને છૂટી મૂકી દીધી : બંદૂકની ગોળી જેમ નિશાન ઉપર જાય તેમ એ ગયો. સામેથી સામટી બંદૂકોનો તાશેરો થયો. વીંધાતે શરીરે આલેકે એ મોવડી ઘોડેસવારને ઘોડી ભેટાડી દીધી. નવઘરાનો પહેરનારો આલેકને પહેલે જ ભાલે પડ્યો.

પણ એ નવઘરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહિ. ઠાકોરને કાને તો જ્યારથી ચારણનું વેણ પડ્યું હતું ત્યારથી એ ચેતી ગયેલા : આલેક આવ્યો તે પહેલાં જ પોતાનો પોશાક એણે એક ખવાસને પહેરાવીને પોતાની ઘોડી ઉપર બેસાડેલેા હતેા.

ખવાસ પડ્યો. ઠાકોરે આલેાકનું પારખું કરી લીધું. એને તો એટલું જ કામ હતું. ફોજ લઈને એણે મોરબીને માર્ગે ઘોડાં વહેતાં કર્યા.