આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૮૪

અહીં આલેકને તો પાંત્રીસ ઘા થયેલા. સરલાના કાઠીઓએ આલેકને ઝોળીમાં નાખ્યો. ઝોળી ઉપાડતાં જ આલેકે આંખ ઉધાડી. “અરે ફટ, આલેક ઝોળીએ હોય. કદી ?” એમ કહી, પેટે ભેટ કસકસાવીને આલેક ઘોડેસવાર થઈને ઘેર આવ્યો. આવીને બાપુને પગે લાગ્યો : “બાપુ ! હવે રામરામ કરું ! બહુ વસમું લાગે છે. ઝટ જમીન લીંપો."

બાપુ કહે : “અરે બેટા ! ઘરનો ડાયરો ઘેર નહિ; આપણાં સગાંવહાલાં નથી આવ્યાં અને આલગ જેવો દીકરો એમ મળ્યા વન્યા જાશે ?”

આલેક કહે : “ભલે, બાપુ!”

એની પીડા વધતી હતી, પણ એ ચૂંકારો કર્યા વિના પડ્યો રહ્યો; બાપુને કહે : “બાપુ, હવે તો કાળી આગ લાગી છે, હો !”

“તો આપણે કસૂંબો કાઢીએ.” એમ કહી કસૂંબો કાઢી બાપુએ આલેકને ત્રણ ઘોબા લેવરાવ્યા. કણબાવ્ય, ધોળિયું, અપાળિયું, વેળાવદર વગેરે આજુબાજુને ગામડેથી સગાંવહાલાં આવી પહોંચ્યાં. સહુને આલેકે રામરામ કરીને પૂછ્યું : “લ્યો બાપુ, હવે ભેટ છોડું ? છે રજા ?”

“અરે, મારા બાપ ! મહેમાનને વાળુ વન્યા આલેકડો રાખશે ? માણસો વાતું કરશે કે આલેકડે સહુને ભૂખ્યા- તરસ્યા મસાણ ઢસરડ્યા. મારો આલગો ગામતરુ કરે, ને પરોણા વાળુ વન્યા રહે ?”

“ઠીક, બાપુ !” કહી મરણને ખાળતો આલેક બેઠો રહ્યો. મહેમાનોએ વાળુ કર્યા, હોકા પીધા. આલેકે સહુની સાથે હસીને વાતો કરી; પછી પૂછ્યું : “હવે બાપુ? હવે તો મારે ને જમને વાદ થાય છે, હો !”