આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુશ્મન

મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ ત્રણ ડોરણાવાળી ચારણીઓ ને પાસાબંધી કેડિયાં પહેરેલાં, કમ્મરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીએાની ભેટ વાળેલી, માથે ગડી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા, જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર, ઢીંચણ સુધી ઢળકતી નાડીને છેડે, સાત-સાત રંગની ઊનનાં ગૂંથેલાં ફૂમકાં ઝૂલી રહ્યાં છે, કેડિયાની કસોને બાંધેલા, કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી, નાના, ઘૂઘરીદાર ચીપિયા ટિગાય છે. પાઘડીને માથે ખડાં છોગાં પવનમાં ઊડઊડ થાય છે. ડોકમાં ભાતભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે. હાથમાં કડિયાળી, પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીએા જડેલી, લાંબી રૂપાળી લાકડીઓ હિલેળા લે છે.

કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખેાસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબાલાંબા ચોટલા એાળી રહ્યા છે. કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે. કોઈ પાઘડીમાં ખોસેલ નાનાં

નાનાં આભલાં કાઢીને પોતાનાં નાક-નેણ જોતા જોતા ડોકની

૮૭