આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

દુશ્મન

એક બાવો નીકળ્યો. ભગવાં વસ્ત્ર હતાં, કપાળે ભસ્મ હતી, માથે ભૂરિયાં ઝટિયાં હતાં : હાથમાં ઝોળી હતી. 'આલેક', 'આલેક' કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો.

કમરમાં ખોસેલી છરીનું ફૂમકું બાંધતો બાંધતો એક મદોન્મત્ત જુવાનિયો બેાલ્યો:

“એલા, આ બાવો તો હવે હદ કરે છે.”

“હા, હા.” બીજો જુવાન ચોટલો એાળતો એાળતો બોલ્યો.

“બાવો તો વંઠી ગયો છે; એની ઝોળી ક્યાંય તરતી નથી. ઢેઢવાડેથીય બાવો ભિક્ષા લે છે.”

“અરે, મેં મારી નજરોનજર જોયું ને !” ત્રીજો હળવેથી બોલ્યો. "હમણે જ ઢેઢવાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય.”

“એલા, ત્યારે તો એ જોગટાને ફજેત કરવો જોવે. હાલો એની હાંડલી તપાસીએ. મારો બેટો ક્યાંઈક જગ્યાને અભડાવતો હશે.”

"હાલો, હાલો." એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ, માથે ફેંટા મેલી, આભલાં, શીશી અને દાંતિયા ફેંટામાં ખેાસી, એ ફૂમકાંવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતાહિંડોળતા નૂર સતાગરની જગ્યામાં જઈ પહોંચ્યા.

બાવા જેરામભારથીજી બેઠા બેઠા ચલમ પીતા હતા. 'આલેક ! આલેક ! બોમ ગરનારી !' કહીને એવો દમ મારતા હતા, કે ચલમને માથે વેંત વેંતના ઝડાફા દેતી ઝાળ ઊઠતી હતી. એારડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી; અન્ન પાકતું હતું.

“બાવાજી બાપુ ! અમારે હોકો ભરવો છે. જરા દેવતા માંડવા દેજો.”

“હા, બચ્ચા, ચલે જાઓ ચૂલા કે પાસ !”