આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૯૬


"ના. બાપુ ! વીરા વાળાને.”

“એકલા વીરા વાળા જ ?”

“હા ! આજે જ ગોંડળથી અસવાર લઈને આવ્યા. લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે.”

"ઠીક, જા, બેટા !”

ભાયો મેર વળ્યો. એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું : “અરરર ! હું ભાયો ! હું ઊઠીને વીરા વાળા જેવા વીર શત્રુને કૂતરાને મોતે મરવા દઈશ ? પણ હવે શું કરું ? ઉઘાડો ઊઠીશ તો ભા'કુંભો કટકા કરી નાખશે, અને વીરો વાળો ભેદ નહિ સમજે. હે ધણી, કાંઈક સમત દે ! આમાંથી દૃશ્ય સુઝાડ્ય !”

પેશાબ કરીને ભાયો મેર પંગતમાં આવ્યો. હાથમોં ધોઈને ભાણા ઉપર બેઠો. એની હિલચાલમાં, અને આંખેાના પલકારામાંયે ક્યાંય આકુળતા નથી. ભા'કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે.

ભા'કુંભાએ સાદ કર્યો : “ત્યારે હવે બા, કરો ચાલતું.”

પણ ભાયા મેરના હૈયામાં હરિ જાગી ગયા હતા. જ્યાં વીરા વાળા લાડવો ભાંગીને બટકું ઉપાડે છે, ત્યાં તો ભાયો મેર કોચવાતે અવાજે, જાણે રિસામણે બેઠો હોય તેમ, બોલી ઊઠ્યો :

“એ બાપ, વીરા વાળા ! આજ તું જો મારું સમાધાન કર્યા પહેલાં ખા, તો ગા' ખા હો !”

આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા. વીરા વાળાએ બટકું હેઠું મેલ્યું. સહુએ ભા' કુંભા સામે જોયું. ભા'કુંભાની ને ભાયા મેરની ચારો નજર એક થઈ.

“ખાંટડો કે ?” એટલું બોલીને સડસડાટ ભા' કુંભો ગઢના કોઠામાં ચડી ગયો. અંદરથી બારણાં વાસી દીધાં. જમનારાનાં મોં ફાટ્યાં રહ્યાં. પાસે બિલાડી ફરતી હતી.