આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯

રાઠોડ ધાધલ

રાણસીંકી અને આથમણી વાવડી : એમ ત્રણ ગામડાંમાંથી ગોંડળની પાદશાહી દૂબળા-પાતળાને ભીંસ કરતી કરતી પગલાં માંડી રહી છે. દેરડી અને સનાળીના સીમાડા ઉપર વખતોવખત લોહી રેડાય છે. રાણિંગ વાળાને ખબર હતી કે રાઠોડ ન હોય તો સનાળીના ભુક્કા નીકળી જાય. એટલે પોતાના એ જોરાવર નાતાદારને[૧]રાણિMગ વાળાએ પંદર સાંતીની જમીન અને ચાર સાંતીની વાડી આપીને સનાળીમાં રાખ્યો હતો. કાઠિયાણીના ઉદરમાં કંઈક અગ્નિના ગોળા પાકે છે : રાઠોડ એવી કોઈ માની કૂખે અવતર્યો હતો. એને તો –

મોસાળે વાળા મરદ, સે કમધ સવાય,
રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ.

જેનાં મોસાળિયાં વાળા વંશના છે અને જેના પિતૃપક્ષના વંશને એટલે કે ધાધલ કુળને 'કમધ'ની ઉપમા મળી છે તેવા બન્ને ઉજ્જવળ કુળના સંતાન રાઠોડ ધાધલને રણક્ષેત્રમાંથી બહાર નીકળવાની બારી હોય નહિ. નાસે તો એનાં બન્ને કુળ લાજે.

–એવો દુહો કહીને સનાળીના ખોડાભાઈ ચારણે બિરદાવ્યો હતો. ધીંગાણાં કરવાં એ તો એને મન રમત વાત હતી. સદાય રણસંગ્રામ ખેલતો તોય આપો રાઠોડ આનંદી હતો. ગામમાં ને પરગામમાં આપો બધી વસ્તીને પૂછવાનું ઠેકાણું હતો. દારૂ-માટીને એ સૂરજનો પુત્ર અડતોય ન હતો. દૂધના ફીણ જેવી એની કાયાનો વાન હતો. અર્ધે માથે કપાળ હતું. ચડિયાતી અાંખો હતી. ગોળ કાંડાં હતાં. ઢાલ જેટલી પહોળી છાતી હતી. વેંતવેંતની વાંકડી મૂછો અને કાને

આંટા લે એવા વાંભવાંભના કાતરા હતા.


  1. *કાઠી લોકો સાળાને સાળો ન કહે, 'નાતાદાર' કહે.