આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

રાઠોડ ધાધલ

રાઠોડ ધાધલ હાથમાં એક બડીકો રાખતા. મકરાણીના કપાળમાં એક બડીકો લગાવી દીધો. લોહીની ધાર થઈ. બીજી વાર બડીકો ઉગામીને આપા રાઠોડ બોલ્યા : “ભણેં જમાદાર, એક વાર જમૈયો વાડે કરું લે, ઝટ કરુ લે. પછે બીજી વાત ભણજે.”

જમાદાર સાહેબે જમૈયો મ્યાન કર્યો.

“લે, મોઢા આગળ થઈ જા; હાલ્ય, રોટલા ખાવા.”

મકરાણી મૂંગો મૂંગો ચાલ્યો આવ્યો. ડેલીએ જઈને રાઠોડ ધાધલે પોતાના વાણંદને કહ્યું : “ ભણેં જીવા, આ જમાદારને બડૂકો લાગુ ગો છે. એના સારુ શેર ઘીને શેરો કરુ દે અને ગામમાંથી રેશમી લૂગડો વેચાતો લઉને એની રાખ કરુને માથાની ફૂટ્યમાં ભરુ દે.”

“અને ભણેં જમાદાર, આજ પછી આવું કરશો મા, હો કે? કોક વગાડુ દ્યે ! સમજ્યા ને?”

જમાદાર સમજી ગયેા હતો. જમાદારને શેરો મળ્યો. રેશમી લૂગડું બાળીને એના ઘા ઉપર રાખ ભરવામાં આવી. એવી તો આપા રાઠોડની ઉદારતા હતી. એમના પેટમાં પાપ નહોતું.

એક વખત આપાને ઘેર દરબાર રાણિંગ વાળો મહેમાન થયા. રાણિંગ વાળાએ રાઠોડ ધાધલને મહેણું માર્યું : “બાઉઝત, તમે આખા મલકને બિવરાવો છે, પણ બીલખામાં તમારા ભાણેજ રાવત વાળાને ઓલ્યો હુદડ કાઠી સંતાપે છે, એને તો કાંઈ કહી શકતા નથી."

“ઈં બાપડું હુદડિયું ફાટ્યું છે ? યાને માટે તલવાર- -બરછી ન હોય, આ બડૂકો જ બસ છે. લ્યો, ભણેં રાણિંગ વાળા, રામરામ!”