આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર

૧૧૪

મારી તરફ ફર્યા ને બોલ્યા : “રાઠોડ ! કમતિયા ! કાળમુખા ! કાળો કામો.”

“હું બોલ્યો : “ભાઈ, બહુ કાળો કામો ! હાય હાય ! ભારે કાળો કામો !”

"ઘરેણાંની ખેાઈ ભરી હતી તેને જોગીદાસે ધરતી ઉપર ઠલવી નાખી. અમે બેય ભાગ્યા. પાછળ ધડૂસ ! ધડૂસ ! ધડૂસ ! અવાજ થાતા આવતા હતા. ઘોડીના ડાબલામાંથી જાણે ધડૂસ ! ધડૂસ ! ધડૂસ ! અવાજ ઊઠતા હતા. આજ ઘોડી ઉપર ચડું છું અને જ્યાં ડાબા બોલે છે. ત્યાં એ કોદાળીના ધડૂસકારા કાને પડે છે : ધડૂસ ! ધડૂસ ! ધડૂસ !

“ખોડાભાઈ ! મેં બહુ ભૂંડો કામો કર્યો.”

*

ઘણી વાર ખોડાભાઈ રાઠોડ ધાધલની પડખે સૂતા. રાઠોડ ધાધલ મોં ઉપર કદી નહોતા એાઢતા. કોઈ કોઈ વાર મોં ઉપર ફાળિયું પડી જાય કે તરત આપા 'એાય' કહેતા ચમકી ઊઠે.

તે વખતે ખોડાભાઈ કહેતા : “ અરે ! અરે ! રાઠોડ ધાધલ જેવો આદમી આમ ચમકે ? શરમ નથી આવતી ?”

“ખોડાભાઈ ! મેાઢું ઢાંકું છું ત્યાં મને સાંભરી આવે છે – વીજપડીની સીમ, ઓલી કણબણ, એની લોહી તરબોળ લટો, ઓલ્યા ધડૂસકારા. અરરર ! હાય હાય ! ખોડાભાઈ ! તમને ખબર છે, મેં કેવો કામો કર્યો છે ! મારું કમોત થાશે. મારું અંતરિયાળ મોત થાશે. ટીપું પાણી વિના મારું મોત થાશે. મરતી વેળા આ ત્રણમાંથી એકેય દીકરો મારું પિંડ દેવાય નહિ હોય. મારો નિર્વંશ જશે. નોંધી રાખજો !”