આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩

મહેમાની


એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાનગતિમાં જરાય મોળપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું. એણે બે હાથ જોડીને એારડે કહેવરાવ્યું : “આઈ, હવે તો હદ થઈ. ચીતરાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી થઈ ગઈ. હવે રજા આપો.”

આઈએ જવાબ મોકલ્યો : “આપા ભાણ! તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈનાં બેસણાં છે, અમે તો રાંક કાઠી કહેવાઈએ. ગજાસંપત પ્રમાણે રાબ-છાશ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ તમારી શોભા વદે. ”

એકસો ઘેાડે ભાણ ખાચર ચડી નીકળ્યા. આવ્યા'તા તો વેર લેવા, પણ આ તો ઊલટું પોતાને માથે વેર વાળ્યું ! ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો. સામસામા રામરામ થયા. ચીતરો કહે : “બા, ઘોડાં પાછાં ફેરવો.”

ભાણ ખાચરે બે હાથ જોડ્યા; કહ્યું : “આપા, ત્રણ ત્રણ દિવસ થઈ ગયા; અને આઈ એ કાંઈ બાકી નથી રાખ્યું.”

“અરે, વાત છે, કાંઈ ? ભાણ ખાચર જેવો કાઠી બાયડિયુંનો મહેમાન બનીને વહ્યો જાય ?”

ભાણ ખાચરે બહુ આજીજી કરી; મર્મમાં જણાવી દીધું : “આપા ! ઘરની પરીક્ષા તે ઘરની બાયડી જ આપે.”

પછી ત્યાં એક વાવ હતી. વાવને કાંઠે બેસીને ચીતરે કસૂંબો કાઢ્યો. પણ કસૂંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું જોઈએ. ઉનાળો ધોમ ધખતો હતો. સહુનાં ગળાં શોષાતાં હતાં. શરબત કરવું હતું, પણ ઠામ ન મળે ! ચીતરાની સાથે સાકરનાં ત્રણ-ચાર છાલકાં હતાં.

“લ્યો બા, સૂઝી ગયું !” એમ કહીને એણે ચારે છાલકાંની સાકર વાવમાં પધરાવી.