આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨: ૩

૧૪૨


લાખાજીથી ન રહેવાયું : “ખબર નથી, બા ! તમારા વડવાએાનાં માથાં વાઢી વાઢીને ખાતર ભર્યું છે, એટલે આવી મીઠપ ચઢી છે, સમજ્યા ?”

લાખાજીથી એટલું બોલાઈ ગયું, અને એનાં વેણ પડતાં તો “થૂ! થૂ !” કરતા તમામ કાઠીઓ શેરડીનાં માદળિયાં થૂકી નાખીને બેઠા થઈ ગયા. સહુની આંખો રાતીચોળ થઈ ગઈ, રંગમાં ભંગ પડ્યો, અને આંખેા કાઢીને કાઠીઓ ચાલવા મંડ્યા. ત્યારે વળી લાખાજીએ બળતામાં ઘી હોમ્યું : “એ બા ! લાઠીમાં બરછિયું ઘણીયુંય મળે છે. એકેક બાંધો છો તો હવે બબ્બે બાંધજો ને લાઠીને ઉખેડી નાખજો !'

શેરડીનો રસ ખારો ધૂધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો.

ઉત્તરમાં બાબરા અને કરિયાણાના ખાચરોની ભીંસ થાતી આવે છે; દખણાદી દશે આંસોદર, લીલિયા અને કુંડલાનો ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે; ઉગમણેથી ગઢડા, ભડલી અને જસદણ-ભીમોરા જેવાં ખાચરોનાં જોરાવર મથકો બરછી તોળીને ઊભાં છે, અને આથમણી કોર ચિત્તળ ને જેતપુરનો વાળા ડાયરો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે –

કાઠી બળ થાક્યા કરી, કટકે ત્રાઠી કેક,
(તોય) અણનમ નોઘાટી એક, (તારી) લાઠી લાખણશિયડા !

હે લાખાજી ગોહિલ, કાઠીઓ બળ કરીને થાક્યા, ઘણાં લશ્કર તારા ગામના સાથે ત્રાટક્યાં, તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે; તેમ તમારી જમીન પણ નથી ઘટી.