આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧

હનુભાઈ

કુંવર વાટ જોતા તલપી રહ્યા છે. એના નખમાંય રોગ નથી. દસે દિશામાં કોઈ જાતના માઠા વાવડ નથી. એ બેફિકર છે. પ્રભાતે ઊઠીને મેડીને પાછલે ગોખે દાતણ કરે છે, ત્યાં નીચેથી કાળવાણી સંભળાણી :

“બંકો હનુભા કસૂંબાની ચોરીએ બસ આમ બાયડિયુંની સોડ્યમાં પડ્યો રે' ?” બરછી જેવાં વેણ કુંવરને કાને પડ્યાં.

કુંવર ડોકું કાઢે ત્યાં નીચે ચારણને દીઠો. આગલે દિવસે આવેલા એ સ્વાર્થી ચારણને કસૂંબાપાણી બરાબર નહિ મળ્યાં હોય, એટલે આજ અત્યારે હનુભાઈને ભાળી જવાથી એણે દાઝ કાઢી. એ ચારણ નહોતો, પણ કુંવરના કાળનો દૂત હતો.

કુંવરે જવાબ દીધો : “ ગઢવા ! હું લાઠી ગયો હતો. રાતે મોડે આવ્યો. ચાલો, હમણાં ડેલીએ આવું છું.”

પોતે છતા થઈ ગયા ! હવે કાંઈ ભરાઈ રહેવાય છે ?

રાણી કરગર્યા : “અરે, રાજ ! આજુની સાંજ પડવા દ્યો, પછી તમતમારે કસૂંબાની છોળો ઉડાડજો ! બધાનાં મે'ણાં ભાંગજો. પણ બે બદામના કાળમુખા ચારણને બેાલે કાં મારાં વેણને ઠેલો ! આજ મારું જમણું અંગ ફરકે છે.”

પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું. એનાથી ન રહેવાયું. એ ડેલીએ ગયા. ડાયરો કસૂંબામાં ગરકાવ છે. ત્યાં કોઈએ આવીને ખબર દીધા કે, ખીજડિયાનો મોલ વાળીને ગોવાળિયા જાય છે. વાંસે વારે ચઢે એવું ખીજડિયામાં કોઈનું ગજુ નથી.

“ઠીક થયું !” ડાયરામાં કોઈ બોલ્યું : “આપણા અદાવતિયાને આજ ખબર પડશે.”

“બોલો મા ! એવું બોલો મા ! અદાવતિયા તોય મારા