આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨: ૩

૨૬૦

ભીંત ભૂલવી: મોટી ભૂલ કરી નાખવી
ભીંસ કરવી : દબાણ કરવું
ભુક્કા નીકળવા : ચૂરા થવા
ભૂતનાથના ભેરવ જેવો : શંકરના ગણ જેવો
ભૂંડી થઈ : આફત આવી
ભેળવી દેવું : ચોરીથી ખેતરનો પાક ઢોરને ચરાવી દેવો
ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડી ડેડકાં બિચારાં ઓવાળે ચડે :
મોટા લડે એની હડફેટે નાના નિર્દોષ ફેંકાઈ જાય (ભેંસ
પાણીમાં પડે ત્યારે દેડકાં કાંઠે ફેંકાઈ જાય એ રીતે )
મલક છતરાયો : દુનિયા જાણે તેમ, ખુલ્લંખુલ્લાં
મસાણમાં સોડ તાણવી : મૃત્યુ પામવું
મહારાજ મેર બેસે : સૂર્યાસ્ત (સૂર્ય મહારાજ અસ્ત થાય છે ત્યારે
મેરુ પર્વતની પાછળ બેસી જાય છે, એવી લોકકલ્પના પરથી)
માણસ જાડું હોવું : ઘણા માણસ સાથે હોવા
માણું માણું મૂલ મળશે : લાણી કરનારને મજૂરીમાં જે પાકની
લાણી થતી હોય તેના એક માણું ( નવ શેર)ના માપે દાણા
મળે છે, એના ઉપરથી.
માથા વગરનો ખવીસ : લોકમાન્યતા પ્રમાણે ખવીસ ખૂંધો હોય,
ડાકણને વાંસો ન હોય, ભૂતને પડછાયો ન હોય
માથાબોળ નાહવું : માથું ભીંજવીને નાહવું
માથામાં ખુમારી રાખીને : મગજમાં ગુમાન રાખીને
માથું દેહ પર ડગમગવું : મૃત્યુ નજીક હોવું
માથે પાણી નાખવું : ધીંગાણે ઘવાયેલ કે ભયંકર માંદગીમાંથી માણસ
સાજો થાય ત્યારે અપાતું હર્ષનું જમણ
માથે માથું ન રહેવું : ધડ-માથું જુદાં થવાં, જીવતા ન રહેવું.
મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે ? : મારે ક્યાં નકામી
લડાઈ વહોરી લેવાનું મન છે ?
મારે ને જમને વાદ થાય છે : નજીક આવેલા મૃત્યુને ઠેલી રહ્યો છું
માલ વાળવો : ઢોર લૂંટી જવાં