આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭

ચમારને બોલે

મનામણાં કરવાના હોય, સંભારી સંભારી સહુ સગાંવહાલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય.

એ બધું હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવી આવીને એને મે'ણાં મારતા હતા : “કાં ! કહેતાં'તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે. કાં ગાંફથી પહેરામણનું ગાડું આવી પહોંચ્યું ને ? તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા ને શું !”

ઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં : “હા ! હા ! જોજો તો ખરા, દરબાર ! હવે ઘડી-બે-ઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું. આવ્યા વિના એ રહે જ નહિ.”

પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું. ગેાખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે ! ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે ! પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી. એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો : “ બા, જે શ્રીકરશન !”

સાંભળીને રાણીએ નીચે નજર કરી. ગાંફના ચમારને ભાળ્યો – કેમ જાણે પોતાનો માનો જાયો ભાઈ આવીને ઊભો હોય, એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો; કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યાં: “ઓહોહો ! જે શ્રીકરશન ભાઈ ! તું આંહીં ક્યાંથી, બાપુ ?”

“બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવ ને, બાનું મોઢું તો જોતો જાઉં, પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, ભામણબામણ ઊભા