આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૮૦

ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે'ણાંના ઘા પડતા હતા તે થંભી ગયા. બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરના અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટલે મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઈને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં:

"ફટ્ય છે તમને, દરબાર ! લાજતા નથી ? એાલી બેનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે. અને તમે આંહીં બેઠા રિયા છો ? બાપુ ! ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી ?”

“પણ છે શું, મૂરખા ?” દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બેાલ્યા.

“હોય શું બીજું ? ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.”

“અરર ! એ તો સાંભર્યું જ નહિ : ગજબ થયો ! હવે કેમ કરવું ?”

“હવે શું કરવાનું હતું ? ઈ તો પતી ગયું. હવે તો મારે જીવવું, કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રઈ છે.”

“કાં, એલા ! તારું તે શું ફટકી ગ્યું છે ?”

“હા બાપુ ! ફટકી ગ્યું'તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું.”

“શી વાત કરછ ? તું આપણું ખસતા દઈ આવ્યો ?”

“હા, હા ! હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો મારગ સૂઝે.”