આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૧૮૬

વાળંદ બોલ્યો : “હેં મા, આપો કાળો ખુમાણ તો નહિ લઈ ગયા હોય ને ?”

“ઈ શું કામ લ્યે ?”

“રાતે વાત કરતા'તા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી.”

”હા, વાત ખરી, પણ કાંઈ છાનામાના લઈ જાય ?”

”એમાં શું, માડી ? મારા બાપુ ને એને ભાઈબંધી ખરી ને ! પૂછીને લેતાં શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરી ને ! એટલે બહુ વિચાર નયે કર્યો હોય !”

“હા, વાત તો ખરી લાગે છે.” બાઈને ગળે ઘૂંટડે. ઊતરી ગયો !

થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમણાની વાત એને પણ ગળે ઊતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ રૂપિયા એક હજારનું ઝૂમણું ! કળવળથી કઢાવી લેવું જેઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો.

ધામધૂમથી દીકરાનાં લગ્ન પતાવીને, જાણે નવ ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંઘાની ઘૂંટ તાણતા હતા. દીકરાનાં વહુ કોઈ સારા કુળમાંથી આવેલાં એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠુંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતાં અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. ચાર સાંતીની જમીન ચાલી ગઈ તેનો કાંઈયે અફસોસ નથી રહ્યો – દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે, તેની જાણે જીવતી મૂર્તિ !