આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૧૮૮

સંભાળી લ્યો.”

"ઊભા રહો. ઊભા રહો. ડાયરાને કસૂંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે, આપા કાળા?”

કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડાયરામાં મારું મોત ઊભું કરશે.

દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો.

ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો, તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા મંડયા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની એક પછીતે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમકયા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી :

“કાં રાડ ? કે'તી'તી ને કે નહિ જરે ?”

"શું છે ?"

“ઝૂમણું ઘડાવીને લાવ્યો.”

"કોણ ?"

“તારો બાપ – કાળેા ખુમાણ.”

“અરરર ! પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું !”

પેશાબ કરતો કરતો ભૂવો આયર ઠરી ગયો. “હાય હાય! હાય હાય !” – એવા ઊના હાહાકાર, ધમણે ધમાતી આગના ભડકાની માફક, એના હૈયામાં ભડભડી ઊઠ્યા. માથાની ઝાળ વ્રેહમંડે લાગી ગઈ. એ ઊભો થયો. એ પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો, ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઊઠી આવી. વાળંદે ચીસ પાડી : "એ અન્નદાતા ! તમારી ગૌ !”