આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૬૪

સારસ સાજી રાત, વલખે વલખે વાલમ જ્યું,
રહોને આજુ રાત, (અમારી) જોડ વછોડો મા, જોગડા !

જોગડા, તું સારસી (ચક્રવાકી) પંખિણી જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાદ કરતી કરતી ઝૂરી ઝૂરીને રાત કાઢે, તેમ મારી ગતિ કાં કરો ? આજની રાત તો રહો ! આપણી જોડી કાં તોડો ?

પણ જોગડાને તો સહુની મોખરે મરવું હતું – એ કેમ રોકાય ? ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટ્યું.

ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બહેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા : “તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો.”

સાંભળીને બાઈ એ નિસરણીની ટોચથી પોતાના શરીરને ઘા કર્યો, ધબ દેતી નીચે પડી; માથું ઢાંકીને મરશિયા માંડ્યા. માનવીની ને પશુની છાતી ભેદાય તેવા મરશિયા એના મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા :

વણકર અને વણાર, નાતે પણ નેડો નહિ,
(પણ)ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા !

ભાઈ જોગડા, તું લૂગડાં વણવાનું કામ કરનારો ઢેઢ હતો અને હું તો વણાર શાખની આયરાણી છું, નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોઉ ? હું તો તારી ખાનદાનીને રડું છું, હે હાથીઓના હણનારા જોદ્ધા !

આયરાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી. એના વિલાપના સૂર સાંભળી સાંભળીને માણસો ખાતાં ખાતાં બેઠાં થઈ ગયાં; જોગડો બધાયને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ જોગડાના ધીંગાણાની કલ્પના કરી.