આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
મેર જેતમાલ
લખનાર : સ્વ. જગજીવનદાસ કા. પાઠક

જે આસો સુદ નોમનો દિવસ છે.

પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવેલા ગુલાલનો શણગાર તેમનાં હેતાળ હૈયાં ઉપર તથા પહોળી પરાક્રમી પીઠ ઉપર માતાની પ્રસાદીરૂપે શોભી રહ્યો છે. રબારીનો બચ્ચો શેાણિતવર્ણા આ શણગારને મહામૂલ્યવાન માની મહિનાના મહિના સાચવે છે. જોનારને આ શણગાર ઘાયલ રણસૈનિકોની ભ્રાંતિ કરાવે છે. બળેજમાં એની આથમણી દિશામાં આવેલા ભૂવાકેડામાં આજે મેદની માતી નથી.

એટલામાં પોતાનું પવિત્ર અને વહાલું 'સરજુ'નું સંગીત ગાતી સેંકડો રબારીની એક મંડળી મઢની બહાર નીકળી. સાંભળનારને તો એ ગાનમાં માત્ર 'હા – હે – હૂ-હે'નો લાંબો રાગડો જ લાગે છે; ને એ બોલનાર જંગલી છે એટલો જ ભાસ થાય છે; પણ તેમ નથી. 'હા –હે – હૂ– હે ' એ સૂરોમાં પોતાના ઈષ્ટદેવની 'સરજુઓ' રબારી લોકોએ સાચવેલી છે. સરજુઓ એ સ્તવનકાવ્યો છે, ને વેદમંત્રોની પેઠે અનધિકારીઓથી ગુપ્ત રાખવા માટે તેમાં 'હા – હે – હૂ-હે' એવા સ્વરોની પૂરણી કરેલી છે. એ સરજુ ગાનારી ટોળીમાં એક માણસે હાથમાં 'માતાની પીંછી'

૨૦૫