આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૧૦

નમતી હતી. તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામે મળ્યો. બાઈને કાંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું :

“ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહિ ?”

“કેવાં છો તમે, બાઈ?”

“અમે ચારણ છયેં, બાપ !”

“ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી ?”

“બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે. પંદર વરસ થયાં અમે એક-બીજાને મળ્યાં નથી. એાણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભર્યું : કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઊતરી જવાય. બાપુ, પાણીયે મોંમાં નથી નાખ્યું. હશે, હવે ફકર નહિ. ભગવાને ભાઈ ભેળાં કરી દીધાં.”

પોતે ઘોડિયે સૂતી હતી તે દિવસે પોતાનાં માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો, માવતર પેટનાં છોરુને રઝળતાં મેલી પોતાનો બચાવ ગોતતાં ભમતાં હતાં, માયા-મમતાની અણછૂટ ગાંઠ્યો પણ છુટી પડતી - એવા કાળા દુકાળને ટાણે ચારણ્યના માબાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો-પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખાં પડ્યાં તે દિવસ કહીને ગયેલો કે, 'બોન ! વપત પડે તે દિવસે હાલી આવજે !' આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે.