આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧

ભાઈ બહેન

ઘોડેસવાર વિચારમાં પડી ગયો. એને સાંભરી આવ્યું. એ બોલી ઊઠ્યો : “અરે બેન, રેશમિયો તો પાછો થયો !”

પોતે જ રેશમિયો ભેડો હતો, પણ પેટમાં પાપ પેસી ગયું.

“રેશમિયો પાછો થયો ?” બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું.

“ હા, બાઈ, પાછો થયો – આઠ દિવસ થયા.”

“ભાઈ પાછો થયો ? ના, ના, થાય નહિ.” બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી. 'હેં, પાછો થયો ?' 'પાછો થયો ?' 'થાય કાંઈ?' એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે, 'વીર મારો પાછો થયો ?'

ઘોડેસવારને થર થર કંપ વછૂટ્યો. ઘણુંય મન થયું કે નાસી છૂટું; પણ ઘોડાની લગામ હલાવી-ચલાવીયે ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતાં પાડતાં મરશિયા ઉપાડ્યા:

ભલકિયું ભેડા, કણાસયું કાળજ માંય,
રગું રેશમિયા, (મારીયું ) વીધીયું વાગડના ધણી !

હે ભેડા, તેં તો મારા કાળજામાં ભાલાં ભોંકયાં હે વાગડિયા શાખાના આયર, મારી નસો તેં વીંધી નાખી.

ઘોડો મૂવો ધર ગિયાં, મેલ્યાં મેવલીએ,
રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.

ઘોડા જેવો મારો ઘણી મર્યો. મારાં ઘર ભાંગી ગયાં. વરસાદે પણ રઝળાવ્યાં. રખડી રખડીને હેરાન થઈ ગયાં. ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમિયે પણ રોળી દીધાં.