આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૧૬

થઈ જાય. વળી, બેય માનવી રામાયણનાં ખરાં પ્રેમી હતાં. મોરલો કળા કરીને ટૌકતો હોય ત્યારે જેમ ઢેલડી એની પડખે ઊભી ઊભી ટૌકારા ઝીલે, તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી જુવાન ચારણી એ મધઝરતા સૂરને એકાગ્ર ધ્યાને સાંભળતી હતી. ખારો ધૂધવા જેવો સંસાર એ ચારણ જોડલીને તો મીઠો મહેરામણ જેવા લાગતો હતો.

જેઠો દિલનોય દાતાર હતો. પૈસેટકેય સુખી હતો. ઘેર પચાસ પચાસ હાથણીઓ જેવી ભેંસો ટલ્લા દેતી હતી. લેવડદેવડનું કામકાજ હોવાથી એના પટારામાં ગામપરગામના લોકોની થાપણ પણ પડી રહેતી. એનો મોટેરો ભાઈ પણ હતો. પોતે અને પોતાનો ભાઈ એક જ ફળીમાં નોખનોખ ઓરડે રહેતા હતા.

કોઈ કોઈ વાર મધરાતનો પહોર ગળતો હોય, આખું જગત દિવસની આપદા ભૂલીને રાતને ખોળે પોઢતું હોય, રામાયણના સૂર સાંભળી સાંભળીને હવા પણ થંભી ગઈ હોય, આભમંડળ એના અવાજને હોંકારો દેતું હોય અને ચાંદરડાં આ ચારણની બેલડીને માથે શીતળ તેજ ઢોળતાં હોય, તેવે ટાણે જેઠો મોવડ કરમાબાઈનાં નેત્રોનું અમી પીતો પીતો નિસાસા નાખીને કહેતો :

“અરે ચારણી ! આટલાં બધાં સુખ હવે તો સહેવાતાં નથી. એક દી આનો અણધાર્યો અંત આવશે તો ?”

ચારણી સામે ઉત્તર નહોતી વાળી શકતી. એની મોટી મોટી આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવતાં. એના અંતરમાં ફાળ પડતી : “અરેરે ! જોડલી કયાંક ખંડાશે તો ?”

સોનાના પિંજરમાંથી બેય જણાંના પ્રાણ ઊડું ઊડું થતા હતા. એમ કરતાં કરતાં સંવત ૧૯૬૭નો પુરુષોત્તમ