પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧

તેને અંગે કે અન્ય કારણે મેં કાવ્યોમાં અહીંતહીં સુધારા કીધેલા છે. આ સુધારાને અંતિમના માનીને હવે પછી એમાંનાં કાવ્યો મારી કે મારા પ્રકાશકની રજાથી કાઇ છાપે યા પાઠ્યપુસ્તકમાં લે, તો તે એ નવા સુધારા પ્રમાણે જ પ્રગટ કરે એવી વિનંતિ છે.

ભારતદેશનો પ્રાણ આજે પોતાનું ચેતન અનેક દિશામાં ઠીક ઝળહળાવી રહ્યો છે, તે તેની પ્રગતિ ચામેર થઈ રહી છે, તેમાં આપણા વહાલા વતન ગુજરાતે જેવો તેવો હિસ્સો આપ્યો નથી. એ હિસ્સાનો કંઈક ઇતિહાસ આ “રાષ્ટ્રિકા”માંનાં ગીતોથી સહજ જડી આવશે, અને મારી ગુજરાતનું શિર ભારતમાં તે દુનિયામાં ઊંચુ રાખશે. ગુજરાતના કવિનું જીવન ગુજરાતની વૃદ્ધિનાં ગીત ગાતું ગાતું વિરમી નય એમાં જ તેની ધન્યતા છે. સમષ્ટિના શ્રેયમાં વ્યક્તિનું શ્રેય પણ સમાઈજ નય છે. મારી શ્રદ્ધા છે કે ભારતવર્ષની અનેક પ્રાંતભાષાઓનાં દેશપ્રેમનાં ને શૌર્યનાં ગીતોમાં ગુજરાતનાં આ ગીતો પાછળ તો નહીં જ પડે. ગુજરાતનું ધગધગતુ હૈયું આ ગીતોમાં સદા ધડકતું રહે, અને ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું વીર્ય, ગુજરાતનો સંયમ જગતભરમાં પ્રકાશ પામો, એજ મારી અંતિમ ઇચ્છા અને પ્રાર્થના છે ! તથાસ્તુ !

અરદેશર ફરામજી ખબરદાર


૭૮૮, પારસી કૉલોની,
દાદર, મુંબઈ
તા○ ૯-૧૨-૧૯૪૦