પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
રાષ્ટ્રિકા
 



ધોમે ધગધગતા આકાશ સમું જ્યાં સૌ દિસતું વેરાન,
જુલમી રૂઢિતણાં જડબંધનથી જ્યાં સર્વ હતાં હેરાન,
મર્ધાની શિર વ્યોમ ધરીને,
વાણી વર્તન જોમ ભરીને,
કોણે ત્યાં યાહોમ કરીને ઝુકવ્યું જીતવાને મેદાન,
ને તોડી ફોડી જંજીર ? -
વીરો એ નર્મદવીર !
શૂરો એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !


ભાષારત્ન રહ્યાં વેરાઈ, જ્યાં ત્યાં લાગ્યાં રજ ને દોષ,
જાણે કો નવ નિજ પૂંજીને, માણે અંધારે સંતોષ;
ત્યાં નિજ તનમનધનથી, શ્રમથી,
વર્ષોના અવિરત ઉદ્યમથી,
કોણે તારકભર નભશો ભરી દીધો ગુર્જરીનો ધનકોષ,
ને દાખ્યું નિજ અજબ ખમીર ? -
એકીલો નર્મદવીર !
ટેકીલો નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !