પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
રાષ્ટ્રિકા
 



મનુજહૃદયને વીંટી લેતી અમ્મરગીતતણી છે વેલ,
જીવનરસથી રહે પોષાતી, સ્નેહજળે સંતત સિંચેલ :
સૂરજ, ચંદ્ર, ગ્રહો ને તારા,
પૃથ્વી, સાગર, વર્ષાધારા,
વિશ્વકવીશ્વરના મહાગીતે એ સૌ પૂરે નિજ સ્વરમેલ :
ગાયું કોણે એવું ગભીર ? -
ગાયક એ નર્મદવીર !
લાયક એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !


ખોલ્યાં વ્યોમ નવાં ગુર્જરીનાં, વેરી નવનવ તારકફૂલ,
જેની શૌર્યભરી તેજસ્વી વાણી કરતી સૌને ડૂલ :
અંધારાની આંખ ઉઘાડી,
શંકા વહેમતણા ગઢ પાડી,
પડતો આથડતો પણ ધસી અગાડી જય પામ્યો અણમૂલ :
એવું કોનું તાક્યું તીર ? -
નિર્ભય એ નર્મદવીર !
જયજય એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !