પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
રાષ્ટ્રિકા
 


કવિશ્રી નાનાલાલનો જન્મસુવર્ણ મહોત્સવ* [૧]


ગરબી[૨]


ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો !
રસલીલી ખીલી તુજ હૃદયવસંત જો ;
તુજ ટહુકે મૉર્યાં ગુર્જર આકાશ આ,
દિશદિશની ઊઘડી કંઇ દેવદિગંત જો.
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૧

વન‌ઉપવન ગાજે તુજ મધુરા શબ્દથી,
પંખીડાં પૂરે કંઇ કિલકિલ નાદ જો ;
તુજ પડઘા ઝીલે કંઇ કંઇ રસબાલુડાં,
જાદુગારા છે તુજ ગાનપ્રસાદ જો !
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૨

તારા સ્વરબ્રહ્માંડે બ્રહ્મ સભર ભર્યો,
તુજ સૂરે ફૂટ્યાં નવતારકલોક જો !
તુજ પ્રશ્નોની માળા વ્યોમગળે ઝૂલે,
દીઠા-અણદીઠા તુજ ઊંચા ગોખ જો !
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૩


  1. *તા. ૨ જી એપ્રિલ ૧૯૨૭.
  2. "ઓધવજી સંદેશો કહેજો શ્યામને" - એ ચાલ