પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૦૫
 




થંભી જા રે માત !


• લાવણી[૧]


થંભી જા રે માત ! ઘડીભર થંભી જા રે માત !
એ આ તારાં બેટાબેટી આવે ઝંઝાવાત !
ઘડીભર થંભી જા રે માત ! —

ભરઆકાશે ઘંટા વાગે, ભરે પવન નવતાન :
ભરસાગર મોજાં ઊછળી દે વીરોને આહ્‌વાન !
ધગધગ હૈયે આગ બળે રે !
રગરગ રક્ત ધસી ઊછળે રે !
ડગડગ ભરતાં યુગ ઊકળે રે !
હાકલ તારી સુણતાં, માતા ! કોની રહે હજી રાત ?
ઘડીભર થંભી જા રે માત ! ૧

નસંતાન તું નથી રે માતા ! ક્રોડો તુજ સંતાન :
એક એક છે વીર પ્રખર એ, જ્યાં ઊઘડે ઉરભાન ;
ધસમસતાં ચોપાસ ધસે રે !
દસદિશ રેલે વીર રસે રે !
પળપળ મુક્તિ થકી તલસે રે !
રણડંકા વાગ્યા તુજ, માતા ! પડી રહે કોણ પછાત ?
ઘડીભર થંભી જા રે માત ! ૨


  1. તા. ૪-૯-૩૦.