પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૫૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
રાષ્ટ્રિકા
 

શું દેશનો સૌભાગ્યભાનુ ડૂબી જશે ?
વીરાંગના ! શું અંધજાળ ઊભી થશે ? -
ના, રજપૂતાની નહિ ડરે !
શો ઓટનો તે નીરવ સાગર ઊછળતો ઊલટે અરે !
વીરાંગના ! આંબેરમાં તુજ કીર્તિકેતુ જ ફરફરે !



અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
શુચિધર્મદેવી વીરાંગના !
મહાશક્તિપ્રકાશિની વીરાંગના !
દેશપ્રેમવિલાસિની વીરાંગના !
બળવંત રિપુ રગદોળનારી મહાભાવ વીરાંગના !
રિપુવિલયથી
તુજ વિજયથી,
તેરમી સદી ઝળહળીઃ
સૌભાગ્યરવિ ત્યાં નીકળી
લે હાસ્ય લહાવ, વીરાંગના !
સાગર ભલે ભૂમિને ગળે, વીરાંગના !
તુજ કીર્તિ અક્ષય ના ચળે, વીરાંગના !
અમ ભૂતશૌર્ય તુંમાં મળે, વીરાંગના !
તુજ પરાક્રમની ગીતા ઘરઘર ગવાશે ભારતે !
વીરાંગના ! તુજ પ્રાણમંત્રો ઘૂમજો નિત આરતે !