પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રસ્તાવના

માનવજાતિને વતન માટેનું વહાલ તેનામાં અનેરા ગુણ પ્રગટાવે છે. વતન માટેને પ્રેમ એ માત્ર પ્રભુપ્રેમથી જ ઊતરતો છે. પ્રભુપ્રેમની પવિત્રતા અને અગાધતા જેના આત્મામાં જાગી છે તેને વિશ્વબંધુત્વની ભાવના સહેજે આકર્ષે છે. લાખ વર્ષનું માનવજીવન થયા છતાં એ મહાભાવના હજી ભાવના જ રહી છે, અને માનવની જુદી જુદી જાતિઓના તથા જુદા જુદા દેશોના લોકો વચ્ચે પ્રભુપ્રેમનો બંધુદોરો રહેલો છે તે સત્તાનાં, અભિમાનનાં, પોતાની ઉચ્ચતાના વિચારનાં, માનભંગનાં કે ‘જર જમીન ને જોરૂ’નાં કારણોને લીધે થતી અથડામણથી અને યુદ્ધના ઘોર ભાવથી તૂટી જાય છે. એવી વેળાએ તમામ પ્રાણીઓની જૂથભાવનાને લીધે સામસામા દેશના વતનીઓમાં પોતપોતાના વતનનો ખાસ પ્રેમ ઊભરી નીકળે છે, અને એ વતનના બચાવને માટે તે પ્રાણીની પ્રેરણાથી પરસ્પર લડી લે છે. પ્રકૃતિમાં પણ વખતોવખત તુમુલ ઉત્પાતો જન્મે છે તે અનેક રીતની પાયમાલી કરી જાય છે, પણ આખરે તો પાછી શાંતિ જ જામે છે, ને પછી ઊંડી દૃષ્ટિથી જોતાં આપણને જણાય છે કે આ પાયમાલી પણ સકારણ હતી, અને એથી કુદરતમાં વિશેષ સ્વચ્છતા અને નવા જીવનનો ઉદ્‌ભવ થવા પામ્યો હતો. માનવ પણ કુદરતમાં જ સમાઈ જતો હોવાથી તેને પણ એ જ નિયમ લાગુ પડે છે. જગતના ઇતિહાસનું સૂક્ષ્મ અવલોકન કરતાં તે એમજ પરિણમે છે કે યુદ્ધ જ પ્રગતિનો સત્ય પાયો છે.

વ્યક્તિપ્રેમ, કુટુંબપ્રેમ, જાતિપ્રેમ, ધર્મપ્રેમ, એમ પ્રેમનાં વર્તુલોના પ્રદેશ વિસ્તાર પામતાં વતનપ્રેમ ઉદ્‌ભવ પામે છે. જે વતનની મટ્ટીમાંથી જન્મ લઇને, જેનાં અન્નપાણીથી પોષણ પામીને, જેની હવા પ્રતિપળ દમમાં ભરીને આપણે જીવીએ છીએ, જેનાં નદીનાળાં, પહાડ, તળાવ, ખેતરો, વૃક્ષો, ફૂલો વગેરેની લીલા આપણી આંખોને ઠારે છે ને હૃદયને અનેરો આનંદ આપે છે, જેના એવા વાતાવરણમાં આપણા બાલ્યકાળના ખેલો