પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તો તે કૃતિને તેના રસિક જનબંધુઓ સ્નેહથી પોતાના હૃદયમાં સ્થાન આપે છે તેમાં જ સ્પષ્ટ થાય છે. નવે રસનો ધણી તે રસિયો કવિ વીર પણ છે. જીવનના કોઈ પણ જાતના યુદ્ધમાં વીર આગળ ધસીને જેવો વિજય મેળવે છે, તેવો જ —બલ્કે તેથી વધુ—વિજય પોતાની કવિતાવાણીના સામર્થ્યથી પોતાના લાખો વતનબંધુમાં વીરતાનો ઉદ્રેક જન્માવી પોતાના વતનના વિજય માટે તે સૌને આગળ ધસવા પ્રેરીને કવિ પણ મેળવે છે. અંગ્રેજ કવિ ટેનિસને કહ્યું છે તેમ

The Song that nerves a nation's heart Is in itself a deed,

એટલે જે ગીત— જે કવિતા પ્રજાના હૃદયમાં બળ પૂરે છે તે પણ એક પુરુષાર્થ જ છે, વીરકાર્ય છે. જગતની બધી પ્રજાઓમાં પોતપોતાના વતન- પ્રેમનાં કાવ્યો ને ગીતો તેમના અમૂલ્ય ધન તરીકે સચવાઈ રહેલાં છે, અને એવાં ગીતો ને કાવ્યો હજી લખાયે જ જાય છે ને તેની સચોટતા પ્રમાણે આવકારાય છે.

વતનપ્રેમને લગતાં શૌર્યનાં, વિજયનાં ગીતો ને કાવ્યો આપણા પ્રાંતમાં આપણા ભાટચારણાની જીભે રમતી જીવતી સરસ્વતીએ વંશપરપરા સજીવન રાખેલાં છે, ને તે હજી રાજદરબારોમાં ને મેળાવડાઓમાં છટાથી ગવાય છે. પણ દેશપ્રેમને લગતાં અનેક વ્યવસ્થિત ગીતો આપણી કવિતામાં પ્રથમ આપણા વીર કવિ નર્મદે જ લખ્યાં છે અને તેની પછી ડૉ. હરિ હર્ષદ ધ્રુવે પણ લખ્યાં છે. આજે તો ઇસુની આ સદીના પ્રારંભથી લખાયેલાં એવાં ગીતોનો ઘણો સારો સંગ્રહ આપણી કવિતામાં મોજૂદ છે.

મારી કવિતારચનાના પ્રારંભકાળથી જ આ રાષ્ટ્રકાવ્યોની પ્રેરણા મને થતી આવી છે, ને વખત જતાં તે સારી પેઠે ફૂલીને ફાલી છે. આ સદીના છેક પ્રારંભના વર્ષ ૧૯૦૧ થી લખાયેલાં ને જાહેરમાં ગવાયેલાં ને પછી લોકપ્રિય થયેલાં અનેક કાવ્યો આ “રાષ્ટ્રિકા”ના સગ્રહમાં મુકાયેલાં છે.