પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦

ઇ. સ. ૧૯૧૪ થી ૧૯૧૮ સુધીમાં લખાયેલાં તે વેળાના મહાયુદ્ધથી ઘેરાયેલાં એક જ શ્રેણીનાં રાષ્ટ્રકાવ્યો સને ૧૯૧૯ માં “ભારતનો ટંકાર”ને નામે પ્રગટ થયાં હતાં, અને તેને આજ સુધી ગુજરાતે સ્નેહથી પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. મારાં કાવ્યોના બીજા સંગ્રહોમાં—“વિલાસિકા”, “પ્રકાશિકા” અને “સંદેશિકા”માં તેમજ અન્યત્ર સામયિકોમાં પ્રસંગે પ્રસંગે મારાં જે રાષ્ટ્રકાવ્યો પ્રગટ થયાં હતાં, તે બધાં એક જ સંગ્રહમાં એકઠાં કરીને છપાવવાની સૂચના મને અનેક ઠેકાણથી થઈ છે, જેથી “ભારતનો ટંકાર”માં અને આ બીજા સંગ્રહમાં મળીને મારાં બધાં રાષ્ટ્રકાવ્યો એક સાથે વાંચવાનાં મળી શકે. એ સૂચનાને માન આપી સને ૧૯૦૧ થી આજ સુધીમાં લખાયેલાં મારાં બધાં રાષ્ટ્રકાવ્યો–“ભારતનો ટંકાર” સિવાયનાં આ નવા સંગ્રહ “રાષ્ટ્રિકા”માં હું પ્રગટ કરું છું. ગુજરાતને ચરણે મૂકેલાં આ કાવ્યોમાંથી થોડાંક પણ તેની પ્રીતિ પામી શકશે તો મારો વતનપ્રેમ પ્રફુલ્લ હૃદયે આનંદ જ પામશે.

આ સંગ્રહમાં મારી વીસ વર્ષની ઉંમરથી હમણા સુધી લખાયેલાં લગભગ તમામ કાવ્યો લેવાયેલાં છે. મારી કવિતાવાણીનો વિકાસ ધીમે ધીમે કેવી રીતે થયો તેનો સુમાર પણ આ સંગ્રહમાંથી વાચકને સારી રીતે મળશે. જે જમાનામાં દેશપ્રેમના નામ માત્રથી સરકારી અમલદારો ભડકતા હતા, અને જે પ્રેમને દર્શાવતી ફૂંક માત્રથી અનેરા ભય ઊભા થતા હતા, તે જમાનામાં આ સંગ્રહમાંનાં આ સદીના પ્રારંભમાં લખાયેલાં પ્રમાણમાં નિર્બળ કાવ્યો હું પ્રગટ પણ કરી શક્યો ન હતો. કેટલાક માનનીય રાજદ્વારી મિત્રોની સલાહથી “વિલાસિકા”ના સંગ્રહમાં છપાયેલાં પણ કેટલાંકને પાછાં કાઢી નાખવા પડ્યાં હતાં ! આજે જમાનો બદલાયો છે, અને દેશપ્રેમ જ્યાં સુધી તે પવિત્ર અને સંયમી હોય ત્યાં સુધી તેને દર્શાવવામાં કશો ગુનાહ નથી, એમ આપણી સરકારે પણ સ્વીકાર્યું છે.

મારાં જુદાં જુદાં પુસ્તકોમાં છપાઈ ગયેલાં કે સામયિકોમાં પ્રગટ થયેલાં આમાંનાં કાવ્યોમાં મેં નવી “જોડણીકોશ”ની જોડણી ધારણ કરેલી છે, ને