પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૮૭
 


સ્વામી શ્રદ્ધાનંદ


દુખમાં શૂરા રે ઓ ગુજરાતી વીરા !


અમર તું મરણે રે ધન્ય શ્રદ્ધાનંદ સ્વામી !
ધર્મને કાજે રે પ્રાણ દીધા તેં નામી ! —

ભડભડ ભડકા ઊડે ગગનમાં, ભારત ભડકી ઊઠે:
વીરા ! તારા વીર હ્રદયથી રુધિરફુવારા ફૂટે !
અમર તું મરણે રે. ૧

એકદિલીને આંગણ ઊભો અડગ મિનારા જેવો;
એ જ દિલ્લીનો પાયો ચણાવ્યો નિજ રુધિરે તેં કેવો !
અમર તું મરણે રે. ૨

જીવન જીવી જાણ્યું પરાર્થે, મરી જાણ્યું પણ તેવું :
ધર્મ ધજા ફરકાવી, વીરા ! તેં દેશનું દીધું દેવું !
અમર તું મરણે રે. ૩

ક્યાં માનવની ભસ્મદેવડી ? ક્યાં સિંહાસન હરિનું ?
પણ એ અંતર સહજ વટાવે તુજ બલિદાન આખરીનું !
અમર તું મરણે રે. ૪