પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



લીધે રજપૂત જાતિ દુર્બળ થઈ ગઈ છે. ૨જપૂતોનો સમૂળગો નાશ નહિ કરે ત્યાંસુધી મુસલમાનોને હવે ચેન પડવાનું નથી. આ વખતનું યુદ્ધ જેવું તેવું નથી. આ વખતે મને રણક્ષેત્રમાં લાંબો વખત લાગશે. મારી ઈચ્છા છે કે એટલો સમય તારે રાજકાર્ય સંભાળવું, સુયોગ્ય સચિવોની સલાહ લઈને સમયોચિત આજ્ઞાઓ જારી રાખવી, આવા અણીના વખતમાં પ્રજાને સંતુષ્ટ રાખવી એ ઘણું જરૂરનું છે. મારી લાડકી પ્રજાને ભય કે અસંતોષનું કાંઈ પણ કારણ ન મળે તેની તું ખાસ કાળજી રાખજે. પ્રજાની જનની થઈને તું એમનાં દુઃખને દૂર કરજે. બાલ્યાવસ્થામાં તને સારૂં શિક્ષણ મળ્યું છે. રાજનીતિમાં તું નિપુણ છે. એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો આ સમય છે. જે મહાન કાર્યોનો ભાર હું તારા હાથમાં સોંપું છું તેને પાર ઉતારજે.”

સંયુક્તા બોલી: “આપે મારે માથે આવી ગંભીર જવાબદારી મૂકી તેથી હું કૃતાર્થ થઈ છું. આપનો આદેશ હું જીવસટ્ટે પણ પાલન કરીશ.”

ત્યાર પછી બન્ને મંદિરમાં ગયા અને ઈષ્ટદેવતાને પ્રણામ કર્યા. સંયુક્તાએ પોતાને હાથે સ્વામીને લડાઈનો પોશાક પહેરાવ્યો. યુદ્ધક્ષેત્રમાં ગયા પછી રખે સ્વામીનું ચિત્ત દુર્બળ થાય, રખે એ પ્રિયતમા પત્નીના પ્રેમની ખાતર યુદ્ધક્ષેત્રમાં ક્ષત્રિયને છાજે એટલી વીરતા ન બતાવે અને ૨ખે રાજાની માફક રાજધર્મનું પાલન કરતાં સંકોચ પામે; એવા વિચારથી વિદાય થતી વખતે સંયુક્તાએ સ્વામીને કહ્યું: “પ્રાણનાથ ! દેશરક્ષાને સારૂ, રાજધર્મના પાલન સારૂ અને વીરકીર્તિ મેળવવા સારૂ યુદ્ધક્ષેત્રમાં પ્રાણ આપવો પડે, તો તે પણ ખુશીથી આપજો. મોત એક દિવસ જરૂર આવવાનું છે. આ સુંદર હૃષ્ટપુષ્ટ દેહ, આ રાજ્યની સાહેબી અને ભોગવિલાસ એ બધાનો ત્યાગ કરીને, મૃત્યુના કઠોર અને અકસ્માત્ ઘાથી આત્મા એક દિવસ જરૂર ચાલ્યો જવાનો છે, તો પછી યુદ્ધક્ષેત્રમાં વીરધર્મનું પાલન કરતાં કરતાં શા માટે ન મરવું ? તમારૂં રાજ્ય, ધન, વૈભવ, યૌવન અને સર્વ કાંઈ એક દિવસ નાશ પામશે, પણ તમે જો વીરતાથી યુદ્ધ કરશો તો તમારી એ કીર્તિ કદી નાશ પામવાની નથી. કોઈ પણ જાતના નાશવંત પાર્થિવ સુખની આશામાં અમર કીર્તિ ગુમાવશે નહિ. જાઓ, પ્રફુલ્લ હૃદયે તેજસ્વિતા દર્શાવતા યુદ્ધમાં સિધાવો. દેવતાઓની