પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
દેવળદેવી



આપવાની ના કહી. મહોબાના રાજાએ એ બહાદુર યુવકની આગલી સેવાનો કાંઈ પણ વિચાર કર્યા વગર તેને ત્યાંથી ચાલ્યા જવાની આજ્ઞા આપી. રાજાની આજ્ઞા માનીને એ બન્ને ભાઈઓ મહોબાની હદમાંથી ચાલ્યા ગયા અને કનોજમાં જઇને રહ્યા. ત્યાં એમને સારી નોકરી મળી ગઈ તથા પ્રતિષ્ઠા પણ ઘણી વધી પડી.

રાજા પરમારને પૃથ્વીરાજના આક્રમણના સમાચાર મળ્યા, ત્યારે તેને આલ્હા અને ઉદલનું સ્મરણ થયું. તેને પોતાની વર્તણૂંક માટે ઘણો પશ્ચાત્તાપ થયો. તેણે પોતાના મંત્રીઓ અને સરદારોને બોલાવીને યુદ્ધના વિષયમાં વિચાર ચલાવવાને એક સભા ભરી. મંત્રીઓએ સલાહ આપી કે, “મહોબાના કિલ્લા ઉપરથીજ લડાઈ થવી જોઈએ.” રાજાએ તેમની સૂચના માન્ય પણ રાખી; પરંતુ રાજકુમાર બ્રહ્માજિત્‌ને એ સલાહ પસંદ ન પડી. તેણે ઊભા થઈને કહ્યું કે, “વૃદ્ધાવસ્થામાં તમારા બધાની ઇંદ્રિયો શિથિલ થઈ ગઈ છે અને બુદ્ધિ મંદ પડી ગઈ છે. સ્ત્રીઓની પેઠે ઘરમાં બેસી રહીને માતૃભૂમિની દુર્દશા રજપૂત જોઈ શકે કે ? હાય ! પૃથ્વીરાજની સામા થવા જેટલી શક્તિ ચંદેલાઓમાં નથી કે ? શું ચંદેલાઓ પોતાના પૂર્વજોની કીર્તિ એકદમ ભૂલી જશે ? તેમને પોતાના પૂર્વજોનું સ્મરણ પણ નથી આવતું ? જન્મીને મરતું કોણ નથી ? પરંતુ જે કંઈ જન્મીને સ્વદેશની સ્વાધીનતા માટે મરે છે, તેનું જ મૃત્યુ પ્રશંસનીય છે.” કુમાર બ્રહ્માજિત્‌નાં આ વચનો સાંભળતાં વાર જ યોદ્ધાઓની નસો જોરથી ચાલવા લાગી અને ઘણા આવેશમાં આવી જઈને તેમણે અસીમ પરાક્રમ બતાવવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. મલખાન, અરિસિંહ, વીરસિંહ અને નરસિંહ એ ચાર સરદાર સેના લઈને પૃથ્વીરાજને રોકવા માટે આગળ ગયા. સિરસાવા નામક સ્થાનમાં બન્ને સેના વચ્ચે ચુદ્ધ જામ્યું. બન્ને પક્ષના સૈનિકો ઘણી વીરતાથી લડ્યા; પરંતુ અંતમાં પૃથ્વીરાજની સેનાનોજ વિજય થયો. એ પરાજયના સમાચાર મહોબા પહેાંચ્યા ત્યારે આખા શહેરમાં શોક પ્રવર્તી રહ્યો. બધાએ પરસ્પર સલાહ લઈને નિશ્ચય કર્યો કે, આલ્હા અને ઉદલને મહોબા પાછા બોલાવવા જોઈએ. તેમણે બીજી તરફથી પૃથ્વીરાજને એક માસ સુધી યુદ્ધ બંધ કરવાની વિનંતિ કરી. પૃથ્વીરાજ વીરપુરુષ હતો તેથી તેણે ઘણી ઉદારતાથી પરમારની પ્રાર્થના માન્ય રાખી.