પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩
પદ્મિની


એ પ્રયત્ન નિષ્ફળ જાય અને મુસલમાનોનો વિજય થાય, તો ચિતાના અગ્નિમાં પ્રવેશ કરીને નારીધર્મનું રક્ષણ કરતાં પણ પદ્મિનીને આવડતું હતું, પરંતુ એ અત્યંત પતિભક્ત સ્ત્રી હતી. પતિ ભીમસિંહનું રક્ષણ કેવી રીતે થાય, મુસલમાન શત્રુના હાથમાંથી એ કેવી રીતે છુટકારો મેળવે, એજ બાબતની એને ચિંતા હતી. ધર્મના રક્ષણ સારૂ, દેશના રક્ષણ સારૂ, સતીઓના સતીત્વના રક્ષણ સારૂ, શત્રુને હાથે સમરક્ષેત્રમાં તલવારથી મરવું એ રજપૂત વીરની શ્રેષ્ઠ ગતિ છે. પોતાના સ્વામી કુલધર્મને છાજતી આ ગતિને પામ્યા હોત, તો સતી પદ્મિનીને એટલો શોક ન થાત, પણ આ તો પોતાના મહાવીર સ્વામીની, વિશ્વાસઘાતી આતતાયી શત્રુને હાથે નીચપણે કતલ થશે, એ ચિંંતા સતી પદ્મિનીને અસહ્ય થઈ પડી. બીજી સાધારણ સ્ત્રીઓની પેઠે પતિની આ વિપત્તિને સમયે જરા પણ ગભરાયા વગર સ્થિર ચિત્તે સ્વામીના ઉદ્ધારની યુક્તિ શોધવા લાગી. તેની સાથે તેના પિયેરથી ગોરા અને બાદલ નામના બે વિશ્વાસુ વીરો ચિતોડમાં આવ્યા હતા. આ વખતે તેણે તેમને બોલાવીને સલાહ લીધી; અને ત્રણે જણાએ એકમત થઈને એક યુક્તિ શોધી કાઢી.

પદ્મિનીએ અલાઉદ્દીનને કહેવરાવ્યું: “સ્વામીને છોડાવવા સારૂ હું બાદશાહને તાબે થઈશ; પરંતુ તે પહેલાં બાદશાહે મારી એક વિનંતિ મંજૂર રાખવી પડશે. હું એક રાજકન્યા અને રાજમહિષી છું. મારે ઘણી બહેનપણીઓ છે. તેમાંથી સાતસો બહેનપણીઓ મ્યાનામાં બેસીને મારી સાથે આપની છાવણીમાં આવશે. એમાંની કેટલીક તો પાછી જશે અને કેટલીક સાથે રહેશે. એ બધી સખીઓ સારા ઘરની રજપૂતાણીઓ છે. તેમના સન્માનાર્થે મુસલમાન સૈનિકો એ દૂર ઊભા રહેવું પડશે. બીજું એ કે, તંબૂમાં જતાં પહેલાં હું મારા સ્વામી પાસે એક વા૨ છેવટની વિદાય લેવા જઇશ. એ વખતે એમના બંદીખાનાની આસપાસ પણ મુસલમાનોને ઊભા ન રહેવા દેવા.” સંદેશો મળતાંવારજ અલાઉદ્દીન હર્ષઘેલો થઈ ગયો. આનંદમાં ઉન્મત્ત થયેલો બાદશાહ પદ્મિનીની બધી શરતો પાળવા તૈયાર થયો. પદ્મિનીએ દિવસ અને સમય નક્કી કરીને બાદશાહને ખબર મોકલી.

નિર્દિષ્ટ દિવસે સાતસો મ્યાનાઓ પઠાણ છાવણીમાં ભીમસિંહના કારાગારની સન્મુખ ઉપસ્થિત થયા, મુસલમાન સૈનિકો