પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
દાહિર રાજાની રાણી


રાજપુત્ર અગિયારા ગણી ગયો, સૈન્ય ખેદાનમેદાન થઈ ગયું. હવે રાજ્યનું રક્ષણ કોણ કરશે ? નિરાધાર રૈયત આજે વિદેશીને હાથે અપમાન અને દુઃખ વેઠશે ! પવિત્ર આર્ય સન્નારીઓના દેહને વિદેશીઓનો અપવિત્ર સ્પર્શ કલંકિત કરશે ! પણ શું આલોરવાસીઓ છેકજ નામર્દ થઈ ગયા છે ? આલોરવાસી પુરુષોમાંથી એક પણ પુરુષના દેહમાં લોહીનું એક પણ ટીપું રહેશે ત્યાં સુધી શું ખરેખાત આલોરનગરી પરદેશીઓની દાસી થશે ? આ કલંક શું ભારતના ઈતિહાસમાં આલોરવાસીઓને સદાને માટે કલંકિત કરી રાખશે ? શું એવું કોઈ પણ રહ્યું નથી કે આલોરનગરના જીવતા રહેલા, ઘાયલ થયેલા સૈનિકોને એકઠા કરીને, તેમના હૃદયમાં એક વાર ફરીથી સાહસનો સંચાર કરીને જીવસટ્ટે આલોરની રક્ષા માટે છેવટનો પ્રયત્ન કરે ?

દાહિર રાજાની રાણીના હૃદયમાં આ ચિંતાનો દાવાનળ સળગવા માંડ્યો. પતિશોકનું મહા દુઃખ ક્ષણભરને માટે વીસરી ગઈ. પુત્રની કાયરતાની દારુણ લજ્જાની વેદના પણ એણે એ સમયે પોતાના હૃદયમાં સમાવી દીધી અને વગરવિલંબે રણરંગિની ભૈરવીનો વેશ ધારણ કરીને, ઘોડેસવાર થઈ, આલોરના રાજમાર્ગમાં આવી ઊભી.

આલોરનું રાજ્ય ચમકી ઉઠ્યું. રણક્ષેત્રમાં રમવા નીકળેલી રાજરાણીના ગંભીર હુંકારાથી આલોરવાસી સ્તંભિત થઈ ગયા. વીરાંગનાના વીર આહ્‌વાનથી ડરી જઈને વિખરાઈ ગયેલા, નાસી આવેલા સૈનિકો નવા સાહસપૂર્વક તેની ચારે તરફ આવીને હાજર થયા. નગરવાસી લોકો પણ ઘરબાર છોડી દઈને હથિયાર સજીને સૈનિકોની પાસે આવી ઊભા, રાણીએ બધાને સંબોધન કરી કહ્યું: “સૈનિકો ! નગરવાસીઓ ! તમે બધા પોતપોતાની જગ્યાએ ઊભા રહી મારૂં કહ્યું સાંભળો ! મારા વીર રાજાજી રણક્ષેત્રમાં માર્યા ગયા છે, અધમ રાજકુમાર આજ પલાયન કરી ગયો છે, પણ તમે તેથી ગભરાશો નહિ. નિરાશ થશો નહિ. હું હજુ જીવું છું. રાજાની રાણી હું છું. વીર પુરુષની હું સહધર્મિણી છું. આજ હું તમને યુદ્ધ કરવાનો ઉત્સાહ આપીશ; તમને સાહસ અને હિંમત આપીશ, આજ હું તમને બધાને લઈને યુદ્ધ કરવા અગ્રેસર થઈશ. તમારી માતૃભૂમિ આજે શત્રુના પગતળે રગદોળાઈ જવાની તૈયારીમાં છે; તમારાં દેવમંદિરો આજે વિધર્મીઓને હાથે