પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૩
નાગબાઈ ચારણી



કાવડિયા રાખી ઠેઠ ગંગાજીથી તે પોતાને માટે ગંગાજળ દરરોજ મંગાવતો હતો. તેના એક મિત્ર વીંજાને રક્તપિત્તનો રોગ હતો, તે તેના સ્પર્શથીજ મટી ગયો હતો; છતાં જ્યારે માણસની મતિ ભ્રષ્ટ થાય છે, ત્યારે કાંઈ બાકી રહેતું નથી. સારાસારનો વિચાર કરવામાં પણ તે વખતે તેનું ભેજું કામ કરતું નથી. જોગમાયા જેવી નાગબાઈની પુત્રવધૂના રૂપનાં વખાણ બદમાસ હજૂરિયાએ કરવાથી તેના કાનમાં ઝેર રેડાયું ને તેને નજરે જોવા તથા પોતાની સાથે જૂનાગઢ ઉપાડી લાવવા તે મોણિયે આવ્યો હતો.

રાજાની કુદૃષ્ટિથી એ વખતે નાગબાઈને તથા તેના સ્વજન કુટુંબીઓને રૂંવે રૂંવે ક્રોધ વ્યાપી ગયો. સૌરાષ્ટ્રના લોકો આજે પણ પોતાના રાજાનું માન જાળવવામાં ઘણો આનંદ માને છે, તો પછી હાલની સ્વાર્થપરાયણતાવળી સ્વચ્છંદ હવાથી દૂર રહેલા તે વખતના જૂના માણસો રાજાનું માન જાળવે તેમાં નવાઈ નથી. તેથી તેઓએ રાજાને ત્યાં ને ત્યાં પૂરો ન કરી નાખતાં, જીવતો ને જીવતો ઘેર જવા દીધો; જેથી લોહીનું એકે બિંદુ તો ન પડ્યું, પણ ક્રોધાવેશમાં જોગમાયા નાગબાઈએ કહ્યું કે :–

ગંગાજળ ગઢેશા, પંડ તારું હુતું પવિત્ર;
વીંજાને રગત ગયાં, પણ મને તોવાવા માંડળિક.”

અને શાપ આપ્યો કેઃ—

“ગઢ જૂનાની પોળ, દામો કુંડ દેખીશ નહિ;
રતન પડશે રોળ, તે દિ મું સંભારીશ માંડળિક.
જાશે રા’ની રીત, રા’પણું રેશે નહિ;
ભમતો માગીશ ભીખ, તે દિ મું સંભારીશ માંડળિક.
ભૂલ્યો રાજા ભીંત, નાગબાઈને નમ્યો નહિ;
મંદિરઠેકાણે મસીદ, તે દિ મું સંભારીશ માંડળિક.
નહિ વાગે નિશાન, નક્કી બહુ કલશે નહિ;
ઉમટશે અસરાણ, તે દિ મું સંભારીશ માંડળિક.”

સતીના આ શાપનું પરિણામ એ આવ્યું કે, મહમદ બેગડાએ રા’માંડળિકને હરાવી મુસલમાન કર્યો. અમદાવાદમાં આજે પણ કંદોઈ ઓળમાં તેની કબર છે.

‘ભ્રષ્ટ થયું તેનો શતમુખ વિનિપાતજ નિર્મેલો’