પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१६४-झीमा चारणी

જાંગલૂ દેશ કે જ્યાં હાલ બિકાનેરનું રાજ્ય છે, ત્યાંના ચારણ બીઠુની બહેન હતી. એ ઘણી વાચાળ અને કવિતાના રસિક હતી. એક વખત પોતાની જાતિની વૃત્તિ મુજબ યાચના કરવા હાલ કોટા રાજ્યમાં આવેલા ગાગરોણના કિલ્લામાં ગઈ. ત્યાંના રાજા ખીચી અચળદાસજી આગળ તેણે પોતાના દેશના માલિક સાંખલીરાવ ખીમસીની પુત્રી ઉમાદેનાં વખાણ એવી સરસ ભાષામાં કર્યાં કે, અચળદાસજીએ મોહિત થઈને એને ચાર ઘોડા આપ્યા તથા ઉમાદે સાથે પોતાનો વિવાહ કરાવી આપવા માટે, ઝીમાની સાથે પોતાના પ્રધાનને મોકલ્યો. ઝીમાએ ઘેર આવીને પોતાના ભાઈ બીઠુની મારફત પ્રધાનને રાવ ખીમસી સાથે મુલાકાત કરાવી આપી અને વિવાહ નક્કી થયો. અચળદાસજી ઘણી ધામધૂમથી જાન લઈને આવ્યા અને ઉમાદે સાંખલીને પરણી ગયા; પરંતુ રાજાની પહેલી રાણી લાલ મેવાડીએ તેમનું ઉમાદે પાસે જવું બંધ કરી દીધુ. લાલાંદે મેવાડી ચિતોડના રાણા મોકળજીની પુત્રી હતી અને અચળદાસજીને પોતાના વંશમાં રાખતી હતી.

ઉમાદે આથી ઘણી દિલગીર થઈ. ઘણાં વર્ષ એણે શોક સંતાપમાં ગાળ્યાં. આ દુ:ખી અવસ્થામાં ઝીમા ચારણી સિવાય બીજું કોઈ એને દિલાસો આપે એવું નહોતું. ઝીમાનો જીવ પણ ઘણો બળી જતો હતો. એક દિવસે રાણી ઉમાદેએ ઘણીજ દુઃખી થઈને ઝીમાને કહ્યું: "બહેન ! તું કેમ કાંઈ ઉપાય કરતી નથી ? તારી વાણી સાંભળીને તો જગલમાં દોડતાં હરણ પણ ઊભાં રહી જાય છે, તો રાણાજીને એ વીણા સંભળાવીને મારે વશ કેમ નથી કરી દેતી?" ઝીમાએ કહ્યું: "બાઇજી! હું રાજાને એક વા૨ મળું, તો તો તરત ઠેકાણે લાવું." ઉમાદેએ કહ્યું. "એનો પણ ઉપાય તું જ કર." ઝીમાએ ઘણો વિચાર કરીને એક યુક્તિ

૪૦૪