પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૫
ઝીમા ચારણી



શોધી કાઢી, એણે વાતચીત કરતાં કરતાં સ્ત્રીઓમાં એવી ચર્ચા ફેલાવી કે, "ઉમાદેની પાસે રત્નનો એક એવો હાર છે કે, લાલાંદેજીની પાસે એ હાર કદી નહિ હોય." આ વાત લાલાંદેની પાસે પહોંચી, સ્ત્રીઓને ઘરેણાનો ઘણો શોખ હોય છે. એણે તરતજ ઉમાદેની પાસે પોતાની એક સખી મોકલીને હીરાનો હાર જોવા મંગાવ્યો. એ હાર એને ઘણો પસંદ આવ્યો, તેથી ફરીથી ઉમાદેને કહેવરાવ્યું કે, "આ હારને એક રાત મારી પાસે રહેવા દો. હું રાણાજીને બતાવીને પાછો મોકલીશ." ઉમાદેએ જવાબમાં કહેવરાવ્યું કે, "તમે રાણાજીને એક રાત મારી પાસે મોકલો, તો હું હાર આપું." લાલાંદેએ એ વાતનો સ્વીકાર કરીને હા૨ મંગાવ્યો અને સોળ શણગાર સજીને રાત્રે રાણાજીના શયનગૃહમાં ગઈ. એ જોઈને રાણાજી ઘણા પ્રસન્ન થઈને બોલી ઊઠ્યાઃ "ધન્ય છે મેવાડદેશને કે જ્યાં આવાં આવાં રત્નોનાં આભૂષણ છે ! લાલાંદેએ કહ્યું: "કાલે આ૫ સાંખલી (ઉમાદે)ના મહેલમાં જજો, પણ ખાલી બેસીનેજ પાછા આવજો."

અચળદાસજી તેના શબ્દોનો મર્મ સમજી ગયા અને તે પ્રમાણે વચન આપીને બીજી રાતે ઉમાદેના વિલાસભવનમાં ગયા અને વાતો કરતાં કરતાં હથિયાર સાથેજ ઊંઘી ગયા. ઉમાદે તેમની પગચંપી કરવા લાગી. ઝીમા ચારણીએ લાગ જોઈને વીણા વગાડવી શરૂ કરી અને આશાવરી રાગમાં પોતેજ રચેલા પ્રસંગને અનુસરતાં ગીત ગાવા લાગી.

કામને ઉત્તેજિત કરનારા એ દોહા સાંભળ્યા છતાં પણ અચળદાસજીએ હથિયાર ઉતાર્યા નહિ અને લાલાંદેને આપેલું વચન નિભાવતા ગયા. આખરે પ્રાતઃકાળ થવા આવ્યો અને લાલાંદેની દાસી તેમને બોલાવવા માટે આવીને ઊભી રહી. એ વખતે ઉમાદેએ કહ્યું :—

“માંગ્યા લાભે જબ ચણા, માંગી લભે જુવાર,
માંગ્યા સાજન કિમિ મિલે, ગહલી મૂઢ ગવાર;
પહો ફાટી પગડો હુઓ, વિછરણરી હૈ વાર,
લે સખિ થારો વાલમો, ઉર દે મારો હાર.”

એટલું સાંભળતાંજ, ઝીમા વીણા ફેંકી દઈને પલંગની પાસે આવીને અચળદાસજીને ઢંઢોળવા લાગી. અચળદાસજીએ કહ્યું: “હું ઊંઠું છું, પણ તેં તારા ગીતમાં એ શું ગાયું હતું કે:—