પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



આ શોકજનક સમાચાર જ્યારે ગુન્નોર નગરમાં પહોંચ્યા, ત્યારે રાણીને ઘણોજ શોક થયો; પરંતુ આ શોક કરવાનો સમય નહોતો. એણે પોતાના દુઃખને મનમાંજ સમાવી દીધું. એણે પોતાના શહેરમાંથી મળી આવે એટલા નવા સૈનિકો એકઠા કર્યા અને તેમનું સેનાપતિપણું પોતે સ્વીકારીને શત્રુઓ સાથે યુદ્ધ કરવા ગઈ. ગુન્નોરના વીર સૈનિકોના હૃદયમાં રાણીનો આટલો બધો ઉત્સાહ જોઈને નવીન બળનો સંચાર થયો. રાણી શસ્ત્રવિદ્યા અને રણકૌશલ્યમાં ઘણીજ પ્રવીણ હતી. પોતાના સ્વર્ગસ્થ પતિની પેઠે એ પણ ઘણી વીરતાથી પઠાણો સાથે લડી. સૈનિકોએ પણ સ્વદેશની ખાતર પ્રાણ આપવામાં બાકી ન રાખી, પરંતુ દૈવ સાનુકૂળ નહિ હોવાથી તેમના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પઠાણોનું સૈન્ય ઘણું વિપુલ હતું અને રાણીના સૈનિકો એમના પ્રમાણમાં ઘણાજ થોડા હતા. દિનપ્રતિદિન રાણીના વીર સૈનિકો યુદ્ધમાં મરણ પામતા ગયા અને શત્રુઓના હાથમાંથી ગુન્નોરનું રક્ષણ કરવાની આશા નિરાશામાં બદલાઈ ગઈ, પરંતુ એમ છતાં પણ રાણીએ યુદ્ધ બંધ રાખ્યું નહિ. ઘોર યુદ્ધ કર્યા વગર મુસલમાનોના હાથમાં એક તસુ પણ જમીન ન જવા દેવાનો એણે નિશ્ચય કર્યો હતો; પરંતુ મુસલમાનો પોતાના પ્રબળ સૈન્યને લીધે એકે એકે ગુન્નોર રાજ્યના કિલ્લા પોતાના અધિકારમાં લેતા ગયા, પાંચ કિલ્લાઓ શત્રુઓના હાથમાં આવી ગયા પછી, રાણીએ નર્મદાના કિનારે આવેલા એક મજબૂત કિલ્લામાં આશ્રય લીધો; પરંતુ નદી ઓળંગીને રાણી કિલ્લામાં પ્રવેશ કરે તે પહેલાં શત્રુઓને તેના ઇરાદાની ખબર પડી ગઈ. તેઓ તેની પાછળ પડ્યા. રાણી પોતાના કેટલાક વિશ્વાસુ સૈનિકોને લઈને શત્રુઓના આવતા પહેલાંજ, દુર્ગમાં પહોંચી ગઈ અને ત્યાં જઈને દુર્ગનાં દ્વાર બંધ દીધાં, પરંતુ આ નાસાનાસમાં રાણીના પક્ષના અનેક સિપાઈઓ માર્યા ગયા. હવે રાણી પાસે કિલ્લાની અંદર ગણ્યાગાંઠ્યા મનુષ્યો હતા, મુસલમાનોએ નિસરણીઓ મૂકી મૂકીને કિલ્લાની અંદર પ્રવેશ કરવા માંડ્યો હતો. આ વખતે પોતાના બચાવ થવો અસંભવિત જાણીને રાણીએ બીજી યુક્તિ રચી. તેણે પઠાણ સરદારને કહેવરાવ્યું કે, “હું આપને શરણે આવવા તૈયાર છું અને હવે આપ કૃપા કરીને આ વૃથા રક્તપાત બંધ કરો.”

રાણીના તરફથી આ વિનયપૂર્વક સંદેશો પહોંચતાવારજ