પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


તૂટી પડવાની તૈયારીમાં છે; તમારી માતાઓ, પત્નીઓ, બહેનો અને કન્યાઓને આજે પરદેશીની ગુલામડી બનવાનો વારો આવ્યો છે; તો પછી કયા સુખને માટે આ નિર્માલ્ય જીવનનું રક્ષણ કરવા ઘરે નાસી આવ્યા છો ? સ્વદેશી અને સ્વધર્મનું અપમાન પોતાનીજ આંખ આગળ જોવાની ઈચ્છા ન રાખતા હો, કુળની સ્ત્રીને વિદેશીઓના સ્પર્શથી કલંકિત થયેલી જોવા ન માગતા હો, કુતરાને મોતે વિદેશીઓને હાથે મરવા ન માગતા હો અને જંગલી જાનવરની પેઠે પરતંત્રતાની બેડી પહેરીને પરદેશીઓના ઘરમાં ગુલામગીરી કરવાની ઈચ્છા ન હોય તો, ચાલો આજે તમે બધા મારી સમક્ષ આવીને રણક્ષેત્રમાં મરવાની પ્રતિજ્ઞા લો ! પ્રાણની પ્રતિજ્ઞા લઈને દેશનું, જાતિનું, ધર્મનું અને કુટુંબની સ્ત્રીઓનું સર્વશ્રેષ્ઠ ગૌરવ રાખવા તૈયાર થાઓ. !”

રાજરાણીના મુખમાંથી નીકળતાં આવાં ઉત્સાહનાં વાક્યની અસર ન થાય એવો પાષાણ હૃદયનો હિચકારો કોણ હોય ? બધાંએ રાણીની આજ્ઞા માથે ચડાવી, અસંખ્ય સૈનિકો મરતાં સુધી દેશનું રક્ષણ કરવા સારૂ લડવાની પ્રતિજ્ઞા લઈને રાણીને શરણાપન્ન થયા. રણડંકો વાગી ઊઠ્યો, સિંધુ રાજ્યમાં ખળભળાટ મચી રહ્યો. સૈનિકોના હુંકારથી અને જયનાદથી આખું શહેર ગાજી ઊઠ્યું.

આ તરફ રાણીની આગેવાની નીચે, દેશનું રક્ષણ કરવાનો સૈનિકોએ અને નાગરિકોએ નિશ્ચય કર્યો. પેલી તરફ આરબ લશ્કરે નગરને ઘેરો ઘાલીને કોટ ઉપર હુમલો કર્યો.

સૈનિકો અને નાગરિકોની મદદથી શૂરે ચડેલી વીર રાણીએ નગરના બચાવને માટે મજબૂત ટક્કર ઝીલી અને શત્રુઓના હુમલામાંથી શહેરને બચાવવાનો પાકો બંદોબસ્ત કર્યો. કેટલીક વાર સુધી રાણી પોતાની યુક્તિમાં સફળ નીવડી. પણ આખરે શહેરમાંની ખોરાકી ખૂટી પડી. બહારથી ખોરાકી આવી શકે એવો કોઈ ઉપાય નહોતો. એકાએક આ પ્રમાણે શહેરમાં ફસાઈ જવાશે, એવો પહેલાં કોઈને વિચાર સૂઝ્યો નહોતો, એટલે લડાઈમાં ઉતરતા પહેલાં અગાઉથી કોઈએ લશ્કરની ખોરાકીને માટે ભંડાર ભરી મૂક્યા નહોતા.

રાણીએ દીઠું કે હવે નગરના રક્ષણનો કોઈ ઉપાય નથી.

તરતજ, એ મહાતેજસ્વી નારીએ નગરના આગેવાનોને અને સૈનિકોને એકઠા કરીને કહ્યું: “સિંંધુગૌરવ વીર પુરુષો ! આજ